રાજયમાં રખડતા ઢોરને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે અને વારંવાર રખડતા ઢોર કોઈને કોઈને પોતાના હુમલાનો ભોગ બનાવી રહ્યા છે. વડોદરામાં આવી એક ઘટના સામે આવી છે જેમાં એક વૃદ્ધ ઉપર ગાયે હુમલો કર્યો હતો.
વડોદરામાં રખડતા ઢોરની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરામાં રખડતી ગાયે વૃદ્ધ પર હુમલો કર્યો છે. શહેરના ભૂતડી ઝાંપા વિસ્તાર બાદ સ્વામી વિવેકાનંદ માર્ગ ઉપર ગાયના હુમલાની ઘટના બની છે. સ્વામી વિવેકાનંદ માર્ગ નજીકથી પસાર થઈ રહેલા જીતેન્દ્ર નામના વૃદ્ધને ગાયે અડફેટે લીધા હતા. વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે.રખડતા ઢોરને પકડવામાં ન આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.
Stray cattle menace continues to haunt #Vadodara citizens as one more elderly man was injured near Swami Vivekanand road#Gujarat #TV9News pic.twitter.com/cyPxmic7cg
— Tv9 Gujarati (@tv9gujarati) March 21, 2023
રાજ્યમાં માર્ચ મહિનામાં રખડતા ઢોરના હુમલાના અનેક બનાવો બન્યા છે, પરંતુ મહાનગરપાલિકા તંત્ર ફક્ત કાગળ પર ઢોર પકડવાની કામગીરી દર્શાવી સંતોષ માની રહ્યું છે. ગઈકાલે શહેરના ભૂતડી ઝાંપા વિસ્તારમાં બંગલાઓમાં ઘરકામ કરતાં વૃદ્ધા પર ગાયના ટોળોએ હુમલો કર્યો હતો અને વૃદ્ધાને હાથમાં ફ્રેક્ચર થયું હતું. તો ફરી એક વાર સ્વામી વિવેકાનંદ માર્ગ નજીકથી પસાર થઈ રહેલા જીતેન્દ્ર નામના વૃદ્ધને ગાયે અડફેટે લીધા હતા. પીડિતોના પરિવારજનોએ તંત્ર રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહી કરે તેવી માગણી કરી છે.
જોકે જોકે ઉપરાછાપરી આવી ઘટના બનતા વડોદરામાં કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે અને કોર્પોરેશન દ્રારા નાગરવાડા વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભોગ બનનારના ઘરની સામેથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા. જોકે લોકો અવાર નવાર બનતી આવી ઘટનાઓથી ત્રસ્ત થઈ ઉઠ્યા છે અને સત્વરે રખડતા ઢોર ઉપર કાબૂ મેળવવામાં આવે તેવી માંગણી પણ કરી છે.
રખડતા ઢોરની સમસ્યા ઉકેલવાના તંત્ર ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ હકીકત એ છે કે ગુજરાતમાં રખડતા પશુઓનો ત્રાસ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. નગર હોય કે મહાનગર, દરેક જગ્યાએ રખડતા ઢોરની સમસ્યા ઠેરની ઠેર છે. રાજ્યમાં ફરી એક વખત રખડતા ઢોરે જાહેર રસ્તા પર રીતસર કહેર વર્તાવ્યો છે ક્યાંક ઢોરે વૃદ્ધને અડફેટે લીધા, તો ક્યાંક આખલાયુદ્ધે લોકોના શ્વાસ અદ્ધર કર્યાં છે.