Vadodara: ચામુંડાનગર-2માં પાણીની સમસ્યા, લોકોએ કોર્પોરેશનની વોર્ડ ઓફિસે જઇ થાળી ચમચી વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો

કોર્પોરેશનની વોર્ડ ઓફિસ પર ચામુંડાનગરના લોકો અગાઉ પણ રજૂઆત કરી ચુક્યા છે, માટલા ફોડી રજૂઆત કરી ચુક્યા છે. પરંતુ રજૂઆતો ઠેરની ઠેર રહે છે

Vadodara: ચામુંડાનગર-2માં પાણીની સમસ્યા, લોકોએ કોર્પોરેશનની વોર્ડ ઓફિસે જઇ થાળી ચમચી વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો
Water problem in Chamundanagar-2
| Edited By: | Updated on: Jul 16, 2022 | 5:28 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગત મહિને વડોદરા (Vadodara) ની મુલાકાતે આવ્યા ત્યારે 21 હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા હતા..જેમાં કોર્પોરેશનની પાણી (Water) ની યોજનાનો પણ સમાવેશ થાય છે..આ યોજનાના લોકાર્પણ સાથે કોર્પોરેશનના માંધાતાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે વડોદરામાં પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે, પરંતુ વડોદરાના આજવા રોડ પર આવેલ ચામુંડા નગર 2માં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યા યથાવત રહેતા લોકો કોર્પોરેશનની વોર્ડ ઓફિસ પર જઈ થાળી ચમચી વગાડી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

આજવા રોડ પરની ચામુંડા નગર સોસાયટી-2 ના રહીશોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નં. 4 ની ઓફિસ પર થાળી ચમચી વગાડી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. લ્લા ત્રણ વર્ષ થી પાણીની સમસ્યા હલ નહીં થતા ચામુંડા નગરની મહિલાઓ આ રીતે થાળી ચમચી વગાડી તંત્ર ના અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કરી ત્રણ વર્ષ જૂની તરસ છીપાવવા માંગ કરી રહી છે.

બે ત્રણ વર્ષથી પાણીની સમસ્યા ભોગવી રહેલા ચામુંડાનગરના લોકોએ પાણી ખેંચવા ઇલેક્ટ્રિક મોટરો વસાવી છે. મોટર ચાલુ કરવા છતાં પાણી નહીં આવતાં માત્ર નિરાશા જ હાથ લાગે છે. પીવાનું પાણી ભરવા માટે મહિલાઓને પોતાના નાના બાળકોને રડતા મૂકી સોસાયટી બહાર અન્ય સોસાયટીઓમાં પાણી ભરવા જવું પડે છે. તંત્રને વારંવાર વિનંતીઓ કરવા છતાં પાણીની સમસ્યા હલ નહીં થતા લોકો આંદોલનના માર્ગે જવાનું વિચારી રહ્યા છે.

આ પણ વાંચો

ચામુંડાનગરના રહીશો વારંવાર રજૂઆત કરે તો માંડ એકાદ ટેન્કર મોકલી કોર્પોરેશન ફરજ પુરી કર્યાનું સમજે છે, પરંતુ પાણીની જરૂરિયાત નહીં સંતોષાતા લોકો 600 રૂપિયા ખર્ચીને ટેન્કર મંગાવે છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે.

કોર્પોરેશનની વોર્ડ ઓફિસ પર ચામુંડાનગરના લોકો અગાઉ પણ રજૂઆત કરી ચુક્યા છે, માટલા ફોડી રજૂઆત કરી ચુક્યા છે. પરંતુ બહેરા કાને અથડાઈને રજૂઆતો ઠેરની ઠેર રહે છે, જેથી આજે ઉગ્ર બનેલ લોકોએ ઉપસ્થિત અધિકારીઓ પાસે લેખિતમાં સમસ્યાના ઉકેલની ખાત્રી આપવા માંગ કરી હતી, વોર્ડ ઓફિસમાં ઉપસ્થિત અધિકારી ઓએ તેમની પાસે આવેલ રજૂઆતનો બોલ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પર નાંખી દીધો હતો, પાણી સમસ્યાના ઉકેલ માટેનો રિપોર્ટ કોર્પોરેશન કચેરીઓ મોકલી આપ્યો હોવાનો ખુલાસો કર્યો હતો.

ગત મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્થળે જંગી સભા સંબોધી હતી તે લેપ્રસી ગ્રાઉન્ડથી માત્ર બે કિલોમીટરના વિસ્તારમાં આવેલ ચામુંડાનગરની પીવાના પાણીની સમસ્યા હલ કરવા કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ગંભીર બનવુ જ પડશે, નહીં તો ચામુંડાનગરના લોકોનો આક્રોશ આજે વોર્ડ ઓફિસ પર જોવા મળ્યો તે આગામી દિવસોમાં કોર્પોરેશન કચેરીએ અધિકારીઓ અને પદાધિકારીઓને પણ આવા જ આક્રોશનો અનુભવ થઈ શકે છે.