
રખડતાં ઢોરોને (Stray cattle) પકડવાની CMની ટકોર બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો અને એટલે જ વડોદરામાં (Vadodara) આજના દિવસમાં રખડતા ઢોરના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે તો અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ગાયની અડફેટે 48 વર્ષિય બાઈકચાલકનું મોત થતાં પરિવાર નોધારો થઈ ગયો છે અને લોકોમાં ભારોભાર રોષ છે તો બીજી તરફ આજના જ દિવસમાં વડોદરાના (Vadodra) ખોડિયાર નગર રઘુકુળ સ્કૂલ સામે મેઈન રોડ પર ગાયે પોલીસ હેડ કોન્સ્ટેબલને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ ગઈકાલ રાત્રે જન્માષ્ટમી નિમિત્તે નોકરી પૂરી કરી ઘરે જતા હતા, તે સમયે ઘટના બની હતી.
આ તરફ ટીવી નાઈને આ ઘટનાનો અહેવાલ બતાવતા જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આંખ ખુલી હતી અને ગોરવામાં નંદાલય હવેલી પાછળ ધરમપુરામાં ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. મનપાએ પોલીસને સાથે રાખીને ઢોરવાડામાંથી 11 જેટલી ગાયને ડબ્બે પુરવામાં કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ઢોરવાડાને પણ સીલ કરવામાં આવ્યા.
જો કે વડોદરાના તંત્રને કાર્યવાહી દરમિયાન સ્થાનિકો અને પશુપાલકોના ઉગ્ર રોષનો પણ સામનો કરવો પડ્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે કેસ દાખલ કરીને પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ પહેલી કે ક્યારેક જ બનતી ઘટના નથી. વારંવાર અહીં લોકો રખડતા ઢોરના કારણે જીવ ગુમાવે છે. આ પહેલાં રાજ્યના મુખ્યમંત્રીની તિરંગાયાત્રામાં આખલો ઘૂસી જવાની બનેલી ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલે રસ્તે રખડતાં ઢોરોને પકડવાની ટકોર કરી હતી. જોકે એને પકડવાનો નિર્ણયનો હજી સુધી અમલ થયો નથી, ત્યારે સવાલ એ ઉઠે છે કે શું પાલિકાને માણસોના મોતની કોઈ કિંમત જ નથી?
ડોદરામાં સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ નજીકથી એક વાહનચાલક પસાર થઈ રહ્યો હતો. આ સમયે રસ્તા પર ઢોર રખડતા હતા અને સ્ટ્રીટ લાઈટ બંધ હતી. સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના કારણે વાહનચાલક ગાયો જોઈ શક્યો નહતો અને વાહન ચાલક યુવાન રખડતા ઢોરની અડફેટે આવી ગયો હતો. રખડતા ઢોર અને તંત્રની બેદરકારીએ કારણે આ યુવાનનો જીવ ગયો હોવાનો મૃતક યુવાનના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. કારણકે દીકરાના મૃત્યુથી પરિવારે પોતાનો સહારો ગુમાવ્યો છે. આ પહેલા પણ વડોદરામાં રખડતા ઢોરની અડફેટે અનેક લોકોએ પોતાના હાથપગ ગુમાવ્યા છે અથવા તો પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ફરી એક યુવાને પોતાનો જીવ ગુમાવતા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.