ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ની જુનિયર ક્લાર્ક (વહીવટી હિસાબ) ની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ રહી છે. વડોદરા શહેર જિલ્લામાં આ લેખિત પરીક્ષામાં ઉમેદવારોને કોઈપણ જાતની સમસ્યા ઊભી ના થાય તે માટે વડોદરા SHE-ટીમે ખુબજ સંવેદનશીલતા દાખવી હતી. વડોદરામાં અટવાયેલા ઉમેદવારોને યોગ્ય સમયે મદદ કરીને શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
જેમાં પિંકીબેન પોપટલાલ નાઈ કે જેઓ થરાદ, પાલનપુરથી વડોદરા શહેરની બરોડા સ્કૂલ, બગીખાના ખાતે પરીક્ષા આપવા હાજર રહેલા હતા. ઉમેદવારો માટેની સુચના અનુસાર તેમની પાસે પાસપોર્ટ સાઈઝનો ફોટોના હોવાનું જાણવા મળતાં નવાપુરા પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા તેમને વાહનમાં તાત્કાલિક ફોટો સ્ટુડિયો લઈ જઈ ફોટો પડાવીને પિંકિબેનને સમયસર પરીક્ષા આપવામાં મદદ કરી હતી. બીજી તરફ બગીખાના વિસ્તાર નવજીવન હાઈસ્કૂલમાં ગાંધીનગર થી પરીક્ષા આપવા આવેલ શિવાજી બાબુજી રાઠોડ પોતાનું આઇ. ડી. કાર્ડ ભૂલી ગયેલા હતા. વધુમાં તેમની પાસે સ્માર્ટફોન ન હોવાની જાણ થતાં સદાય મદદ માટે તત્પર એવી વડોદરામાં નવાપુરા પોલીસ સ્ટેશનની SHE-ટીમ દ્વારા ઉમેદવારોના ઘરે સંપર્ક કરીને વોટ્સએપ દ્વારા આઇ. ડી. કાર્ડ મેળવી તેની કલર પ્રિન્ટ કઢાવીને પરીક્ષાર્થીને સમયસર પરીક્ષા આપવામાં મદદ કરીને ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી.
મહિલાઓને નિર્ભય અને સુરક્ષિત વાતાવરણ આપીને સદાય મદદ કરવાની કાર્યશૈલી ધરાવતી નવાપુરા પોલીસ સ્ટેશનની SHE-ટીમ ફક્ત મહિલાઓ જ નહિ પરંતુ પરીક્ષામાં અટવાયેલા તમામ ઉમેદવારોની મદદ કરવાની નવી કાર્યશૈલી અપનાવીને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વડોદરા શહેર જિલ્લાના 120 કેન્દ્રો પર યોજાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓને કોઈપણ અગવડતા ન પડે તે માટે શહેર જિલ્લામાં અસરકારક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું કે, વડોદરા શહેર અને જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 36,810 ઉમેદવારો નોંધાયા હતા.જે પૈકી 14,579 ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી.જ્યારે 22,231 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ઉમેદવારો કોઈપણ જાતની ગેરરીતિ વિના અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્ર દ્વારા સુચારુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 5:33 pm, Sun, 9 April 23