સુદાનમાં સર્જાયેલી આંતરિક યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું ઓપેરેશન કાવેરી મૂળ વડોદરા એક પરિવાર માટે પણ દેવદૂત સાબિત થયું છે. ઓપરેશન કાવેરી અંતર્ગત વડોદરાના બદાલી પરિવારને પણ સલામત રીતે લઇ આવવામાં આવ્યા છે. આ પરિવાર જ્યારે વડોદરા પહોંચ્યો ત્યારે તે સરકાર અને સૈન્યનો આભાર માનવાનું ચૂક્યો નહોતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સુદાનમાં રહેલા ગુજરાતીઓની વતન વાપસી માટે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં રહ્યા હતા. આ રિપેટ્રિએશનની કામગીરીનું સંકલન રાજ્ય સરકારના બિનનિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેના દ્વારા પોર્ટ સુદાનમાં નાગરિકો માટે ઇવેક્યુશનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ત્યાંથી 56 ગુજરાતીઓને જેદ્દાહ લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી ભારતીય વાયુસેનાની ઇવેક્યુશન ફ્લાઇટ C-17 મારફત મુંબઇ લઇ આવવામાં આવ્યા હતા. તેમાંથી 12 વ્યક્તિ પોતાની રીતે વ્યવસ્થા કરી હોવાથી બાકીના 44 ગુજરાતીઓને ખાસ બસ મારફત વડોદરા, આણંદ અને અમદાવાદ ખાતે લઇ આવવામાં આવ્યા હતા. તેના માટે વલસાડ ખાતેના એક નાયબ કલેક્ટરને ખાસ ફરજ સોંપવામાં આવી હતી.
આ કાફલો ગુરુવારે મોડી રાત્રે વડોદરા ખાતે આવી પહોંચ્યો ત્યારે જિલ્લા વહીવટી તંત્રના પ્રતિનિધિઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સુદાનથી આવેલી ચાર વ્યક્તિને વડોદરા ખાતે ઉતારવામાં આવ્યા હતા. જેમાં બદાલી પરિવારના લત્તાબેન, બિનલબેન, દીપકભાઇ અને રાજકુમારનો સમાવેશ થાય છે.
આ પરિવાર વડોદરા ઉતરતાની સાથે જ ભાવવિભોર થઇ ગયો હતો. આ પરિવારે જણાવ્યું કે, સુદાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ હતી. બહાર નીકળી શકાય એવી જ સ્થિતિ નહોતી. છેલ્લા એક પખવાડિયા કરતા પણ વધુ સમયથી ઘરમાં જ પૂરાઇ રહેવું પડ્યું હતું. જે સંગ્રહિત ખોરાક હતો, તે ખાઇને દિવસો કાઢવા પડ્યા હતા. પણ સરકારે સમયસર મદદ મોકલી એટલે અમે વતનમાં પરત આવી શક્યા છીએ.ભારતીય સમુદાયે પોર્ટ સુદાન સિટી જવા માટે વાહનોની વ્યવસ્થા કરી હતી. જેમાં તમામ લોકોએ સારી મદદ કરી હતી. ત્યાંથી ભારતીય સૈન્ય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓની મદદથી અમને ખાસ વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા.
આ વતન વાપસી માટે સરકારનો આભાર માનવો ઘટે કે અમે સલામત રીતે ઘરે પહોંચી શક્યા છીએ. અમને કોઇ પણ જાતની તકલીફ પડી નથી. ઓપરેશન કાવેરી થકી અનેક ભારતીય આજે સુરક્ષિત રીતે સુદાનમાંથી બહાર નીકળી શક્યા છીએ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…