Vadodara : ઉત્તરપ્રદેશનો ચર્ચાસ્પદ ધર્માંતરણ કેસ, 2 આરોપીની ધરપકડ, 5 રાજયોમાં બનાવી 100થી વધારે મસ્જિદ, હવાલાથી મળ્યા 60 કરોડ રૂપિયા

|

Aug 28, 2021 | 9:16 AM

આફમી ટ્રસ્ટ અંગે નોંધાયેલા ગુનામાં હવે ધરપકડનો દોર શરૂ થયો છે. કેસની તપાસ કરી રહેલી SOGએ મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટના સુપરવાઇઝર મહોંમદ હુસેન ગુલામ રસુલ મન્સુરીની ધરપકડ કરી છે.

Vadodara : શહેરના આફમી ટ્રસ્ટ અંગે નોંધાયેલા ગુનામાં હવે ધરપકડનો દોર શરૂ થયો છે. કેસની તપાસ કરી રહેલી SOGએ મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટના સુપરવાઇઝર મહોંમદ હુસેન ગુલામ રસુલ મન્સુરીની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે આફમી ટ્રસ્ટ અંતર્ગત મુસ્લિમ મેડિકલ સેન્ટર દ્વારા તબીબી સહાયની પ્રવૃતિ થતી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ હાથ ધરાશે.

યુપીના ધર્માંતરણ કેસની તપાસમાં મની લોન્ડરિંગ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડોદરાની SOGની તપાસમાં ખુલાસો થયો છે કે આફમી ટ્રસ્ટના ઓથાર હેઠળ સલાઉદ્દીન એન્ડ કંપની ગેરકાયદે પ્રવૃતિ કરી રહી હતી. વડોદરા પોલીસ કમિશનરે ખુલાસો કર્યો છે કે પાછલા 5 વર્ષમાં હવાલા દ્વારા 60 કરોડ રૂપિયા મેળવવામાં આવ્યા હતા. જેમાંથી 19 કરોડ રૂપિયા આફમી ટ્રસ્ટમાં જમા થયા હતા.

આ રૂપિયાનો ઉપયોગ મસ્જિદ બનાવવા, દિલ્લીના દંગાઇઓને છોડાવવા અને સરકાર વિરોધી પ્રવૃતિઓ કરવામાં કરાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સલાઉદ્દીન એન્ડ કંપનીએ હવાલાથી મળેલા સાડા સાત કરોડ રૂપિયાનો ઉપયોગ 103 મસ્જિદો બનાવવા કર્યો.જેમાંથી ગુજરાતમાં 8, આસામમાં 3, મહારાષ્ટ્રમાં 43, મધ્યપ્રદેશમાં 17 અને રાજસ્થાનમાં 30 મસ્જિદો બનાવી હતી.

આ ધર્માંતરણ કેસમાં અત્યાર સુધીની તપાસમાં થયેલા ખુલાસા પર નજર કરીએ તો આફમી ટ્રસ્ટને દુબઈથી 24 કરોડ રૂપિયા મળ્યાનો ઘટસ્ફોટ થયો છે. દોઢ મહિનાથી વધુની તપાસના અંતે SOGએ સલાઉદ્દીન, મૌલાના ઉમર, ગૌતમ એહમદ સહિતના આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. SOGએ આફમી ટ્રસ્ટનું ફાયનાન્શિયલ ઓડિટ કરાવ્યું હતું, જેમાં સંખ્યાબંધ નાણાંકીય હેરાફેરીના પુરાવા મળી આવ્યાં છે.

આફમી ટ્રસ્ટના ટેલી સોફ્ટવેરના એકાઉન્ટ અને ઈન્કમટેક્સમાં ફાઈલ કરેલા હિસાબમાં ભારે તફાવત જોવા મળ્યો છે. SOGની રડારમાં ભરૂચ અને દિલ્લીના હવાલા ઓપરેટર અને આંગડિયા પેઢી આવી છે.તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે મૌલાના ઉમર બે થી ત્રણ વખત વડોદરા આવ્યા પછી આફમી ટ્રસ્ટમાં વિદેશથી મોટી રકમ જમા થઈ.તો વડોદરાનો સલાઉદ્દીન શેખ, CAA વિરૂદ્ધના પ્રદર્શન સમયે દિલ્લી ગયાના પુરાવા પણ મળ્યાં છે.

FCRA અંતર્ગત 19 કરોડ વિદેશથી મંગાવી તે ઉદ્દેશ્યથી વિપરીત રકમ વાપરવામાં આવી છે.વિધવાઓની સહાય અને મેડિકલ કેમ્પ માટે વિદેશથી દાન મેળવ્યું..પરંતુ રકમ CAAના પ્રદર્શન અને કોમી તોફાનમાં પકડાયેલાને કાનૂની મદદ માટે આ રકમ વાપરવામાં આવી છે.

Published On - 7:44 am, Sat, 28 August 21

Next Video