Breaking News : ગુજરાત ATS એ વડોદરાથી ઝડપેલા આતંકી અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો, ટૂંક સમયમાં મોટો હુમલો કરવાની હતી તૈયારી! જુઓ Video

ગુજરાત ATS દ્વારા વડોદરા નજીકથી આતંકી સહરૂલ ઇસ્લામ AK-47 અને કારતૂસ સાથે ઝડપાયો છે. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આ આતંકીએ એરફોર્સ સ્ટેશનની રેકી કર્યાની આશંકા છે.

Breaking News : ગુજરાત ATS એ વડોદરાથી ઝડપેલા આતંકી અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો, ટૂંક સમયમાં મોટો હુમલો કરવાની હતી તૈયારી! જુઓ Video
| Updated on: Nov 27, 2026 | 1:31 PM

ગુજરાત ATS દ્વારા વડોદરા નજીકથી ઝડપાયેલા શંકાસ્પદ આતંકી સહરૂલ ઇસ્લામના કેસમાં મોટા ખુલાસા થયા છે. ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે, આરોપીનું નામ મહમદ સહરૂલ ઇસ્લામ છે અને તેની ઉંમર 24 વર્ષ છે. તે મૂળ આસામનો રહેવાસી છે અને જૈશ-એ-મોહમ્મદના હેન્ડલરના સંપર્કમાં હોવાની તપાસમાં વિગતો સામે આવી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી છેલ્લા એક વર્ષથી હેન્ડલરના સંપર્કમાં હતો અને આશરે દોઢ વર્ષથી કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હોવાની માહિતી મળી છે.

ATSના DIG સુનિલ જોશીના જણાવ્યા અનુસાર, ATSના DYSP હર્ષ ઉપાધ્યાયને વડોદરાની મિલન હોટેલમાં એક શંકાસ્પદ વ્યક્તિ રોકાયો હોવાની માહિતી મળી હતી. આરોપીએ હોટેલમાં પોતાના અસલી ઓળખપત્રો આપીને રૂમ લીધો હતો, પરંતુ પેમેન્ટ કર્યા બાદ ચેકઆઉટ કર્યા વગર ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેનો મોબાઇલ ફોન બંધ થઈ ગયો હતો. ATSની ટીમે ટેકનિકલ તપાસ અને અન્ય માહિતીના આધારે તેની હિલચાલ પર નજર રાખી હતી. લગભગ સાત દિવસ સુધી ટ્રેકિંગ કર્યા બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

જૈશ-એ-મોહમ્મદનો ઝંડો મળી આવ્યો

તપાસ દરમિયાન આરોપી પાસેથી એક ઓટોમેટિક AK-47 રાઇફલ, 23 જીવતા કારતૂસ, બે ખાલી કારતૂસ, બે મોબાઇલ ફોન અને જૈશ-એ-મોહમ્મદનો ઝંડો મળી આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે. આરોપી બેગપેક સાથે બસ મારફતે મુસાફરી કરી રહ્યો હતો. ATSએ તેને ઝડપી પાડ્યા બાદ હથિયારો અને અન્ય વસ્તુઓ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય બે શંકાસ્પદ વ્યક્તિઓને પણ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે.

ATSની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આસામથી ટ્રેન મારફતે ભોપાલ પહોંચ્યો હતો અને ત્યારબાદ વડોદરા આવ્યો હતો. હથિયાર મેળવવા માટે તે દાહોદ ગયો હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, હથિયાર તેને ડેડ ડ્રોપ પદ્ધતિથી આપવામાં આવ્યું હતું. આ પદ્ધતિમાં હેન્ડલર અને વ્યક્તિ વચ્ચે સીધો સંપર્ક કર્યા વગર અગાઉથી નક્કી કરેલા સ્થળે હથિયાર કે અન્ય સામગ્રી મૂકી દેવામાં આવે છે.

તપાસમાં વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે કે આરોપીના મોબાઇલ ફોનમાંથી વડોદરાના એરફોર્સ સ્ટેશનના ગેટનો ફોટો મળી આવ્યો છે. જોકે, ATSના જણાવ્યા અનુસાર, આરોપીએ સામાન્ય નાગરિક તરીકે એરફોર્સ સ્ટેશનની બહારથી પસાર થતી વખતે આ ફોટો લીધો હોવાની માહિતી આપી છે. આ ઉપરાંત તેના મોબાઇલમાંથી શંકાસ્પદ સાહિત્ય અને તાલીમ સંબંધિત ફોટા પણ મળી આવ્યા છે. આરોપીએ હથિયાર ચલાવવાની પ્રેક્ટિકલ તાલીમ લીધી નહોતી, પરંતુ યુટ્યુબ પરના વીડિયો જોઈને AK-47 ચલાવવાનું શીખ્યો હોવાની કબૂલાત કરી હોવાનું તપાસમાં જણાવાયું છે.

આતંકીઓના ખાતામાં આશરે ₹50 હજાર ટ્રાન્સફર કરવામાં આવ્યા

ગુજરાત ATSના જણાવ્યા અનુસાર, જૈશ-એ-મોહમ્મદના હેન્ડલર સાથે આરોપી સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશન મારફતે સંપર્કમાં હતો. તેના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સહિતની એપ્લિકેશન મળી આવી છે. તપાસમાં હેન્ડલર દ્વારા આરોપીના ખાતામાં આશરે ₹50 હજાર ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. આ રકમ મુસાફરી, રહેવા, જમવા અને અન્ય ખર્ચ માટે આપવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

ATSની તપાસ મુજબ, આરોપીને આ સમગ્ર નેટવર્ક તરફથી પ્રથમ ટાસ્ક સોંપવામાં આવ્યો હોવાની આશંકા છે. ગુજરાતમાં હુમલાનું ષડયંત્ર રચીને ટાસ્ક પૂર્ણ કર્યા બાદ પાકિસ્તાન ભાગી જવાની અને ત્યાં જૈશ-એ-મોહમ્મદમાં જોડાવાની તેની યોજના હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. જોકે, આ સમગ્ર ષડયંત્રની હકીકત અને સંભવિત નિશાનાઓ અંગે સુરક્ષા એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે.

હાલ ATS દ્વારા આરોપીના બંને મોબાઇલ ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, નાણાકીય વ્યવહારો, હેન્ડલર સાથેના સંપર્કો અને હથિયારના નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીના પરિવારજનોમાં માતા, પિતા અને એક ભાઈનો સમાવેશ થાય છે, જેઓ આસામમાં રહે છે. ગુજરાતમાં કોઈ હુમલાની તૈયારી કરવામાં આવી હતી કે અન્ય કોઈ વ્યક્તિઓ પણ આ નેટવર્ક સાથે જોડાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

ગુજરાત ATSએ વડોદરામાંથી પકડ્યો શંકાસ્પદ જૈશ-એ-મોહમંદનો આતંકી

Published On - 1:22 pm, Fri, 27 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.