ખેડૂતોના હૈયે હાશકારાનો હરખ, વડોદરા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી પૂર્ણ

ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે મોટા ભાગના ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી શરૂ કરી છે. વડોદરા જિલ્લામાં 50637 હેક્ટરમાં વાવણી પૂર્ણ થઈ છે. છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવતેરની સાપેક્ષે કુલ 24 ટકા વિસ્તારમાં વાવણી થઇ છે. 

ખેડૂતોના હૈયે હાશકારાનો હરખ, વડોદરા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી પૂર્ણ
| Edited By: | Updated on: Jul 01, 2023 | 6:36 PM

આકાશમાં વરસી રહેલા કાચા સોના સમાન વરસાદથી ખેડૂતોના હૈયે હાશકારાનો હરખ છ્વાયો છે અને તેમના માટે મહેનતની મૌસમ લાવી છે. ધરતીપુત્રોએ આ કાચા કંચનને અન્નને સ્વરૂપ આપવા માટી સાથે મથામણ કરી રહ્યા છે. વડોદરા જિલ્લામાં આ ખરીફ મૌસમમાં અત્યાર સુધીમાં 50637  હેક્ટર કૃષિ વિસ્તારમાં વાવણી થઇ ચૂકી છે. છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવતેરની સાપેક્ષે કુલ 24 ટકા વિસ્તારમાં વાવણી થઇ છે.

વર્ષા ઋતુનું આગમન સચરાચર આનંદદાયક બની રહે છે. વરસાદ એ એવો વિષય છે કે, તેનું વ્યક્તિ મુજબ વિભિન્ન ભાવવિશ્વ હોય છે, પણ જ્યારે ગ્રામીણ અર્થસંસ્કૃતિ અને ખેડૂતની વાત આવે એટલે વરસાદ અર્થશાસ્ત્રનું રૂપ પણ લે છે. ભારતીય અર્થતંત્ર મહદાંશે કૃષિ ઉપર નિર્ભર કરે છે અને કૃષિ એ સારા વરસાદ ઉપર આધારિત છે. એટલે જ આજે પણ વાવણીલાયક વરસાદ થાય એટલે ખેડૂતોના ઘરે લાપસીના આંધણ મૂકાતા હોય છે. મધ્ય ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર તળે આવેલા વરસાદ બાદ અત્યારે પણ વરસી રહેલા આકાશે કૃષિ અને તેને સંલગ્ન તંત્ર ધમધમી રહ્યું છે.

વડોદરા જિલ્લામાં કુલ 50637 હેક્ટર જમીનમાં થયેલા ખરીફ પાકના વાવેતરમાં સૌથી વધુ 40304 હેક્ટર જમીનમાં કપાસ વાવવામાં આવ્યો છે. એ બાદ 4840 હેક્ટર જમીનમાં ઘાસચારાનું વાવેતર થયું છે. 4157 હેક્ટરમાં શાકભાજી, 39 હેક્ટરમાં ડાંગર અને 1171 હેક્ટર જમીનમાં સોયાબીનની વાવણી થઇ છે.

આ પણ વાંચો : SSG હોસ્પીટલમાં અત્યાધુનિક MRI મશીનનું લોકાર્પણ, દર્દીઓને નજીવા દરે સુવિધા મળશે

તાલુકા પ્રમાણે ખરીફ પાકનો વાવેતર વિસ્તાર જોઇએ તો ડભોઇમાં 9884, ડેસરમાં 1415, કરજણમાં 18225, પાદરામાં 9758, સાવલીમાં 4253, શિનોરમાં 4391, વડોદરા તાલુકામાં 1642, વાઘોડિયામાં 1069 હેક્ટર જમીનમાં વાવણી થઇ ચૂકી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના દ્વારા થયેલા સુદ્રઢ આયોજનને પગલે ખેડૂતોને ખાતરો મેળવવામાં કોઇ તકલીફ પડી નથી.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો