ઉત્તરપ્રદેશનો ચર્ચાસ્પદ ધર્માંતરણ કેસ, વડોદરાના આફમી ટ્રસ્ટ સામે SOGએ ગુનો નોંધ્યો

|

Aug 25, 2021 | 10:55 AM

વડોદરાનો સલાઉદ્દીન શેખ, CAA વિરૂદ્ધના પ્રદર્શન સમયે દિલ્લી ગયાના પુરાવા પણ મળ્યાં છે. FCRA અંતર્ગત 19 કરોડ વિદેશથી મંગાવી તે ઉદ્દેશ્યથી વિપરીત રકમ વાપરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસમાં નવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. વડોદરાના ટ્રસ્ટને દુબઈથી 24 કરોડ રૂપિયા મળ્યાનો ઘટસ્ફોટ થયો છે. દોઢ મહિનાથી વધુની તપાસના અંતે SOGએ સલાઉદ્દીન, મૌલાના ઉમર, ગૌતમ એહમદ સહિતના આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. SOGએ આફમી ટ્રસ્ટનું ફાયનાન્શિયલ ઓડિટ કરાવ્યું.

જેમાં સંખ્યાબંધ નાણાંકીય હેરાફેરીના પુરાવા મળ્યાં. આફમી ટ્રસ્ટના ટેલી સોફ્ટવેરના એકાઉન્ટ અને ઈન્કમટેક્સમાં ફાઈલ કરેલા હિસાબમાં ભારે તફાવત છે. કેટલાક મોટા વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની ખરીદીના બોગસ બિલ મેળવ્યા છે.

આ માલની રકમનું બિલ બન્યું તેના ટેક્સ, કમિશનની રકમ ચુકવાઈ છે. વડોદરા SOG તપાસમાં ભરૂચ અને દિલ્હીના નામાંકિત લોકો, હવાલા ઓપરેટર અને આંગડિયા પેઢી સામેલ છે. પાછલા ત્રણ વર્ષમાં સૌથી વધુ રકમ વિદેશથી આવી છે. મૌલાના ઉમર ગૌતમ બેથી ત્રણ વખત વડોદરા આવ્યા પછી આફમી ટ્રસ્ટમાં વિદેશથી મોટી રકમ જમા થઈ હતી.

વડોદરાનો સલાઉદ્દીન શેખ, CAA વિરૂદ્ધના પ્રદર્શન સમયે દિલ્લી ગયાના પુરાવા પણ મળ્યાં છે. FCRA અંતર્ગત 19 કરોડ વિદેશથી મંગાવી તે ઉદ્દેશ્યથી વિપરીત રકમ વાપરવામાં આવી છે. વિધવાઓની સહાય અને મેડિકલ કેમ્પ માટે વિદેશથી દાન મેળવ્યું. પરંતુ રકમ CAAના પ્રદર્શન અને કોમી તોફાનમાં પકડાયેલાને કાનૂની મદદ માટે વાપરી છે.

વડોદરાના ફતેગંજના ક્રિષ્ણદીપ ટાવરના ત્રીજા માળે અદ્યતન ફ્લેટમાં રહેતા સલાઉદ્દીન શેખ અને તેના મળતિયાઓ આફમી ટ્રસ્ટ ચલાવતા હતા. મહમદ ઉમર ગૌતમની દિલ્લીમાં આવેલી દાવાહ નામની NGOના હિસાબની તપાસમાં વડોદરાના સલાઉદ્દીનના આર્થિક વ્યવહાર સામે આવ્યા હતા.વડોદરા પોલીસની તપાસમાં ખુલાસો થયો કે આફમી ટ્રસ્ટના સંચાલકોએ 2017થી અત્યાર સુધી 19 કરોડથી વધુ રકમ હવાલા મારફતે મેળવી હતી.

જે પૈકી કેટલીક રકમ સલાઉદ્દીન, મોહમદ ઉમર અને તેના મળતિયાઓએ ટ્રસ્ટીઓની જાણ બહાર ગેરકાયદે ધર્માંતરણ કરવા રૂપિયા મોકલ્યાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત તથા અન્ય રાજ્યોમાં મસ્જિદો તૈયાર કરવા, દિલ્લીમાં CAAના વિરોધ કરતા પ્રદર્શનકારીઓ, કોમી તોફાનમાં પકડાયેલા છોડાવવા ટ્રસ્ટના નાણાંનો દુરૂપયોગ થયો છે. આ ગુનાની તાપસ માટે પોલીસ કમિશનરે SITની રચના કરી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચના ACP સહિત ત્રણ PI અને PSIનો સમાવેશ થાય છે.

Published On - 10:50 am, Wed, 25 August 21

Next Video