Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે વડોદરા પહોંચ્યા છે અને પીએમના સ્વાગત સત્કાર માટે વડોદરા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં 20 હજારથી વધુ મહિલાઓ પીએમને આવકારવા માટે પહોંચી છે.સંસદમાં નારીશક્તિ અધિનિયમ બિલ પાસ થયા બાદ વડોદરા ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાનના સ્વાગત સત્કાર માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે આજથી 20 વર્ષ પહેલા ગુજરાતમાં મહિલા સાક્ષરતા દર ઘણો ઓછો હતો. પ્રસુતિ માતા મૃત્યુદર પણ વધુ હતુ, સ્ત્રી પુરુષ રેશિયો પણ ચિંતાજનક હતો? જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષ માતાઓ અને બહેનોને કરવો પડતો હતો. કચ્છ જેવા પ્રદેશમાં પીવાના પાણી માટે માઈલો સુધી મહિલાઓને રઝળવુ પડે તેવી પાણીની તકલિફો હતી. ગુજરાતને એવી અસંખ્ય સમસ્યાઓ વારસામાં મળેલી હતી. અમે તેને કેન્દ્રમાં રાખી ઈમાનદારીથી કામ કર્યુ. આજે નવી પેઢીની દીકરીઓને ખબરેય નહીં હોય કે પહેલા તેમની માતાઓને અને પરિવારને કેવી તકલિફો પડતી હતી.
વડાપ્રધાને જણાવ્યુ કે બોડેલીમાં જે બાળકોને શાળાપ્રવોશોત્સવ દરમિયાન પ્રવેશ કરાવેલો, એ બાળકોને આજે મળવાનો અવસર મળ્યો. તેમાંથી કોઈ આજે ડૉક્ટર છે, કોઈ શિક્ષક બની ગયા છે આ જોઈને ખરેખર ગૌરવની લાગણી થાય છે.
વડાપ્રધાને જણાવ્યુ કે આપ સહુએ ચૂંટીને 2014માં મને દિલ્હી મોકલ્યો અને સાથોસાથ અનુભવનું ભાથુ પણ આપ્યુ, એ અનુભવનું ભાથુ મને બહુ કામ આવી રહ્યુ છે. ગુજરાતમાં શરૂ કરેલુ બેટી બચાવો, બેટી પઢાવો આજે જનઆંદોલન બની ગયુ છે. આજે ગુજરાતને પાણીના સંકટમાંથી બહાર લાવ્યા તે ગુજરાતની માતાઓ અને બહેનોના આભારી છે. જળજીવન મિશનમાં મહિલાઓની 50 ટકા ભાગીદારીને કારણે સફળ બની રહ્યુ છે.
આ સમયે મહિલાઓ દ્વારા ચાલતા સેલ્ફ હેલ્પ ગૃપની પણ બહુ મોટી ચર્ચા છે. આપણા ગુજરાતમાં જેને સખીમંડળો કહે છે જેમા દેશભરમાં 9 કરોડ મહિલાઓ જોડાયેલી છે. તાજેતરમાં આદિવાસી મહિલાઓના એક કાર્યક્રમમાં ગયો ત્યાં લખપતિ દીદીઓને મળવાનો અવસર મળ્યો. આ મહિલાઓ વિમેન્સ સેલ્ફ હેલ્પ ગૃપ બહુ સારી રીતે ચલાવી રહી છે. આદિવાસી દીકરીઓ કમાતી થઈ અને પરિવારનો વિકાસ થવા લાગ્યો. વડાપ્રધાને જણાવ્યુ મારે 2 કરોડ લખપતિ દીદી બનાવવી છે.
વડાપ્રધાને જણાવ્યુ કે અમે એક નવી યોજના લાવવા જઈ રહ્યા છીએ. જેમા બહેનોને ડ્રોલ ચલાવતા શીખવીશુ અને આ સખી મંડળોને ડ્રોન આપીશુ. આ ડ્રોનથી ખેતીમાં કેવી રીતે કામ કરી શકાય, ખાતરનો છંટકાવ કેમ થાય, દવાઓનો છંટકાવ કેમ થાય અને આ સખી મંડળો ડ્રોન ટેકનિશ્યન બનીને આજુબાજુના ગામડાની અંદર ખેતરોમા આધુનિક ખેતી કરવાની દિશામાં કામ કરવાની છે. આમ મહિલાઓ ગ્રામીણ અર્થ વ્યવસ્થાને આજે નવી તાકાત આપી રહી છે. આવી અનેક સફળતાના મૂળમાં ગુજરાતના જે સખીમંડળ અને કૌશલ્ય સભા આવી યોજનાઓના કારણે શક્ય બની છે. એવા કેટલાય કામ છે જેમણે દેશમાં મહિલા સશક્તિકરણ માટેનું એક રોડમેપ આપ્યુ છે. ગુજરાતમાં જે યોજનાઓ શરૂ થઈ એ આજે દેશની કરોડો નારીઓના જીવનમાં ખૂબ મોટો બદલાવ તેના કારણે આવી રહ્યો છે.
લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી, તેમના અધિકારો માટે એ જરૂરી હતુ કે જીવનની બુનિયાદી સમસ્યાઓમાંથી તે બહાર નીકળે અને આજે ગરીબમાં ગરીબ પરિવારો પણ આજે તેમને પીએમ આવાસ યોજનાનો લાભ મળી રહ્યો છે. તેમા પણ પદ્ધતિ લાવ્યા છીએ કે જેમને સરકાર તરફથી ઘર મળે તેમા ઘરની વડીલ બહેન હોય તેમના નામે જ મકાનની માલિકી હોય. તેના પર અમારી સરકારે કામ કર્યુ. નારીશક્તિ પ્રથમવાર સમસ્યાઓમાંથી બહાર નીકળીને સપનાઓ પુરા કરવાનું વિચારી રહી છે. આજે ભારતની નારીશક્તિનો આત્મવિશ્વાસ અને ઊર્જા જે સ્તરે પહોંચ્યો છે તેની પહેલા ક્યારેય કલ્પના નહોંતી થઈ શક્તિ
વડાપ્રધાને જણાવ્યુ કે સંસદમાં નારી શક્તિ અધિનિયમ સંસદમાં પાસ થયો તેની પાછળ તમે જવાબદાર છો તમે એવુ બિલકુલ ન માનતા કે આ લોકો સુધરી ગયા છે પરંતુ આ તો તમારો તાપ એટલો વધ્યો છે કે એમને સમર્થન કરવા મજબુર થવુ પડ્યુ છે. અગાઉ ત્રણ ત્રણ દાયકાઓ સુધી બિલ લટકાવી રાખ્યુ હતુ. આ આખી કંપની મહિલાઓના અધિકારીઓને છીન્ન ભીન્ન કરવા માટે સંગઠીત હતા. હવે નારીશક્તિને તોડવાનું, નારી શક્તિમાં ભાગલા પાડવાનું ષડયંત્ર કર્યુ છે.
દશકાઓ સુધી જેમણે સંસદમાં કાયદા પાસ ન કર્યા. કરવાની ઈચ્છાશક્તિ નહતી. મહિલા અનામત બિલ લાવવા માટે લેકિન, કિન્તુ પરંતુ જેવા જાતજાતના પ્રશ્નો લઈને ન આવતા. પરંતુ આ લોકો ધર્મ, જાતિના નામે તોડવાની કોશિષ કરી રહ્યા છે. જો ખરેખર આ લોકો મહિલાઓ માટે એટલા સંવેદનશીલ હોય તો દાયકાઓ સુધી મહિલાઓને આ રીતેે પ્રતાડિત કરીને ન રાખી હોત. આ એજ લોકો છે જ્યારે મોદીઓ મહિલાઓ માટે લાલ કિલ્લા પરથી શૌચાલય બનાવવાની વાત કરી હતી ત્યારે મોદીની મજાક ઉડાવતા હતા. પરંતુ તેમને ખબર નથી કે ઘરમાં શૌચાલય હોય તો મહિલાઓના જીવનમાં કેટલો બધો વિશ્વાસ પેદા કરતો હોય છે. કેટલી બધી મજબુરીઓમાંથી મુક્તિ મળતી હોય છે.
ઉજ્જવલા યોજના શરૂ કરી ત્યારે એમણે એમનો પણ ઉપહાસ ઉડાડવાનું કામ કર્યુ હતુ કે ગામની મહિલાઓને ગેસ સિલિન્ડની શું જરૂર છે, આવી બધી પ્રવૃતિઓ ચાલતી હતી. જ્યારે મુસ્લિમ બહેનોને ત્રિપલ તલાકમાંથી મુક્તિ આપવાની વાત થતી હતી ત્યારે એમા પણ તેમને પોતાના રાજકીય આટાપાટા દેખાતા હતા. ત્યારે મુસ્લિમ મહિલાઓના અધિકારોની એમને ચિંતા ન હતી તેમને તો એમની વોટબેંકની ચિંતા હતી.
આ પણ વાંચો: Breaking News : મારી પાસે ઘર નથી પણ મારા દેશની બહેનોને ઘર આપ્યા તેની ખુશી છે : PM મોદી
આ લોકોને જરા પૂછજો કે ત્રિપલ તલાક માટે મુસ્લિમ બહેનો માટે કાયદો લઈ આવ્યા ત્યારે આ મુસ્લિમ મહિલાઓના અધિકાર માટે તમે કેમ ઉભા ન થયા ? પીએમએ વધુમાં જણાવ્યુ કે આ દેશની માતાઓ બહેનોની તાકાત છે કે એ લોકોની ઇચ્છા ન હોવા છતા પણ આજે એમને નારીશક્તિ વંદન અધિનિયમને પુરો ટેકો કરવા માટે મેદાનમાં ઉતરવુ પડ્યુ છે અને મોદી જે પ્રસ્તાવ લઈને આવ્યા તેનુ સમર્થન મનથી નથી કર્યુ કમને કર્યુ છે. આવા લોકોથી મારી બહેનો ચેતતી રહે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે જેની બનાવટ આપણા દેશમાં હોય જેની અંદર આપણા દેશની માટીની મહેંક હોય, જેમા આપણા દેશના શ્રમીકનો પરસેવો હોય તેવા સ્થાનિક ઉત્પાદો આપણે ખરીદીએ. ક્યારેક ખાદી, હેન્ડલુમ, હેન્ડીક્રાફ્ટ ખરીદીએ, આપણા દેશની બનાવટની ચીજો ખરીદીએ. 2047માં આ દેશ વિકસીત ભારત બનીને રહેવાનો છે. આ ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે, એ માર્ગ આપણે સહુ ચાલીએ.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:04 pm, Wed, 27 September 23