Biporjoy Cyclone : ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાની અસરથી મોટુ નુકસાન થાય તેવી સંભાવના છે. આ વાવાઝોડાને લઈ વીજપૂરવઠો ખોરવાઈ જવાની સ્થિતીમાં ટૂંકા સમયમાં વીજ પુરવઠો પુનઃ શરુ કરવાને લઈ આગોતરી વ્યવસ્થા કરી લેવામાં આવી છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા 55 થી વધારે ટીમો બનાવીને વાવાઝોડના અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત 100થી વધારે વીજ પોલ અને જરુરી વસ્તુઓ સહિતની સામગ્રી તૈયાર રાખવામાં આવી છે.
આ પણ વાંચો – Cyclone Biporjoy: દ્વારકા-પોરબંદર હાઈવે પર અનેક વીજપોલ થયા ધરાશાયી, જુઓ Video
PGVCLના ચીફ એન્જિનિયર ડી.વી.લાખાણીએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રકારના વાવાઝોડા આવે ત્યારે સૌથી વધુ નુકસાન PGVCL ને થતું હોય છે, વાવાઝોડાને પગલે આયોજનના ભાગરૂપે મેનેજમેન્ટ કમિટી, કોર કમિટી, સર્કલ લેવલ કમિટી,અલગ કંટ્રોલ રૂમ અને 24×7 રિપોર્ટિંગ ટીમની રચના કરવામાં આવી છે, જે સતત કામગીરીનું નિરીક્ષણ કરશે.
કોર્પોરેટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત રહી ફરજ બજાવશે. વાવાઝોડા બાદ શહેર – નગરોમાં વીજ પુરવઠો ખોરવાશે તો તાબડતોબ પૂર્વવત કરવા માટે PGVCLની 562 કોન્ટ્રાક્ટર ટીમ 3304 વીજકર્મીઓ સાથે તથા 268 જેટલી ડીપાર્ટમેન્ટલ ટીમનાં 1085 સહીત કુલ 4389 વીજકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વાવાઝોડાના કારણે સૌથી વધુ નુકસાન વીજ થાંભલાઓનું થતું હોય છે ત્યારે રાજકોટ જિલ્લામાં 1 લાખ જેટલા વીજપોલ તથા 44253 જેટલા અલગ-અલગ વોટ પ્રમાણેનાં વીજ ટ્રાન્સફોર્મરના સ્ટોક સહિત ફેબ્રીકેશન મટીરીયલ્સ જેવા જરૂરી સાધન સામગ્રીનું આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે.
વાવાઝોડા બાદ થયેલા નુકસાનની ભરપાઈ કરવા અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી પહેલા હોસ્પિટલ, સરકારી ઓફિસો, ફ્લોર મિલ, વોટરવર્કસને પ્રાથમિકતા આપી તાત્કાલિક મદદ પુરી પાડવા જરૂરી તમામ મટિરિયલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ટેમ્પો, બોલેરો જેવા 782 વાહનો તથા 36 જેટલા ટ્રકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.