ગુજરાત સરકારની અનોખી પહેલ, રાજ્યમાં 18 વર્ષ સુધીના દરેક બાળકનો બનશે ‘હેલ્થ પાસપોર્ટ’

ગુજરાત સરકાર, જન્મથી લઈને 18 વર્ષ સુધીના દરેકના સ્વાસ્થયને લગતો હેલ્થ પાસપોર્ટ તૈયાર કરશે. આ હેલ્થ પાસપોર્ટમાં દર વર્ષે લગભગ 1.89 કરોડ બાળકોનું હેલ્થ ચેકઅપ કરીને તેનો રિપોર્ટ નોંધવામાં આવશે. સ્ક્રીનિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ પર ડેટા એન્ટ્રી બાદ બાળકોને આ હેલ્થ પાસપોર્ટ સ્થળ પર જ આપવામાં આવશે. આ હેલ્થ પાસપોર્ટના આધારે પાસપોર્ટ ધારકના આરોગ્યની તમામે તમામ વિગતો એક જ ક્લિકના આધારે જાણી શકાશે.

ગુજરાત સરકારની અનોખી પહેલ, રાજ્યમાં 18 વર્ષ સુધીના દરેક બાળકનો બનશે ‘હેલ્થ પાસપોર્ટ’
| Updated on: Jul 01, 2026 | 4:09 PM

સ્કૂલ હેલ્થ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) હેઠળ હવે ગુજરાતમાં જન્મથી 18 વર્ષ સુધીના દરેક બાળકને પોતાનો એક હેલ્થ પાસપોર્ટ હશે. આ કોઈ સામાન્ય હેલ્થ કાર્ડ નહીં હોય, પરંતુ બાળકના જન્મથી લઈને કિશોરાવસ્થા સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી દર્શાવતો દસ્તાવેજ હશે. ઉલ્લેખનીય છે કે, આ રાજ્યવ્યાપી કાર્યક્રમની શરૂઆત, ગત 27 જૂન, 2026ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

1.89 કરોડ બાળકો પાસે હશે પોતાનો ‘હેલ્થ પાસપોર્ટ’

ગુજરાતમાં સ્કૂલ હેલ્થ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ દર વર્ષે લગભગ 1.89 કરોડ બાળકોનું હેલ્થ ચેકઅપ 992 મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા કરવામાં આવે છે. હાલમાં આ ચેકઅપ્સનો રેકોર્ડ ડિજિટલ પોર્ટલ પર તો ઉપલબ્ધ છે, પરંતુ માતા-પિતા અથવા બાળકો પાસે એવું કોઈ સુવિધાજનક ડોક્યુમેન્ટ ઉપલબ્ધ નથી. જેનો ઉપયોગ તેઓ નિયમિત રૂટિન ચેકઅપ, સારવાર અથવા ફોલો-અપ માટે સરળતાથી કરી શકે. પ્રસ્તાવિત ‘હેલ્થ પાસપોર્ટ’ બાળકોના મેડિકલ રેકોર્ડ્સને એક સિસ્ટમેટિક અને સરળ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે.

હેલ્થ પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા સરળ હશે

વાલીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને હેલ્થ પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. બાળકોનો ‘હેલ્થ પાસપોર્ટ’ બનાવવા માટે માતા-પિતાએ કોઈ વધારાના દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં. SH-RBSKની મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા આંગણવાડી, શાળા, મદરેસા, ગુરુકુલ અને સ્પેશિયલ સ્કૂલોમાં બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે. સ્ક્રીનિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ પર ડેટા એન્ટ્રી બાદ બાળકોને આ હેલ્થ પાસપોર્ટ સ્થળ પર જ આપવામાં આવશે. એટલું જ નહીં, તે સરળતાથી રિન્યૂ પણ થઈ જશે. 5 વર્ષ સુધીના બાળકો અથવા શાળાએ ન જતા બાળકોના હેલ્થ પાસપોર્ટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના મેડિકલ ઓફિસર (MO) દ્વારા દર વર્ષે રિન્યૂ કરવામાં આવશે. જ્યારે, 5 વર્ષથી ઉપરની ઉંમરના કે જે શાળાએ જતા હોય તેવા વિદ્યાર્થીઓના કાર્ડ શાળાના પ્રિન્સિપાલ દ્વારા રિન્યૂ કરવામાં આવશે.

જન્મથી 18 વર્ષ સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી હવે એક જ ડોક્યુમેન્ટમાં

આ હેલ્થ પાસપોર્ટ દરેક બાળકની પર્સનલ મેડિકલ હિસ્ટ્રી રજૂ કરતું એક માસ્ટર ડોક્યુમેન્ટ હશે. તેમાં બાળકની મૂળભૂત વિગતો સાથે જન્મથી 18 વર્ષની ઉંમર સુધીના હેલ્થ ચેકઅપનો સંપૂર્ણ રેકોર્ડ નોંધવામાં આવશે. આ ઉપરાંત, સ્કૂલ હેલ્થ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) હેઠળની ચાર મુખ્ય કેટેગરી (4D) એટલે કે જન્મજાત ખામીઓ, બીમારીઓ, પોષણની ઉણપ અને વિકાસમાં વિલંબ અથવા વિકલાંગતા સંબંધિત સંપૂર્ણ અપડેટ પણ તેમાં હશે. એટલું જ નહીં, બાળકની શારીરિક-માનસિક વૃદ્ધિ અને વિકાસ, પોષણનું સ્તર, રેફરલ સર્વિસીસ, પોષણ અને સ્વાસ્થ્ય સંબંધિત ટિપ્સ, જીવનશૈલી અંગેની સલાહ તેમજ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ આ પાસપોર્ટમાં હશે. સરળ શબ્દોમાં કહીએ તો, પરિવારને બાળકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક નાની-મોટી માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ થશે.

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત સુધી પહોચ્યું નૈઋત્યનુ ચોમાસુ, 3 જુલાઈએ બનશે લો-પ્રેશર સિસ્ટમ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

 

Follow Us