એક તરફ રાજ્યમાં હંગામી અને ફિક્સ પગાર વેતનધારકોને હાલની મોંઘવારીમાં ગુજરાન કરવુ મુશ્કેલ છે, ત્યાં હવે સરકારી પદાધીકારીઓને માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકારે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખોના પ્રવાસ ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્ય સરકારને વર્તમાન મોંઘવારીને ધ્યાને રાખીને હવે પ્રમુખના પ્રવાસ ભથ્થાના ખર્ચમાં વધારો કર્યો છે. આમ હવે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ મોંઘવારી હોવાના બહાના બતાવી પ્રજાથી દૂર રહેવાને બદલે સરળતાથી પ્રજા વચ્ચે જવાનો પ્રવાસ કરી શકશે એવી આશા બંધાઈ છે.
રાજ્ય સરકારે વિકાસના કાર્યોની સાથે પદાધિકારીઓને પ્રજા વચ્ચે જવા માટે સતત સૂચના કરી છે. આ માટે યોગ્ય સંકલન પણ કરવામાં આવી રહ્યો છે. પ્રજા વચ્ચે પ્રવાસ કરવાથી લોકોના પ્રશ્નો અને વાસ્તવિક પરિસ્થિતિઓને રુબરુ સમજી શકાય અને તેનુ નિવારણ આવી શકે છે. આ માટે થઈને પ્રવાસ ભથ્થા પણ સરકાર દ્વારા ચુકવવામાં આવતા હોય છે. હાલની મોંઘવારી અને પેટ્રોલ ડિઝલના વધેલ ભાવને લઈ પદાધિકારીઓમાં મોંઘવારીની ચર્ચા અને ચિંતા વર્તાઈ રહી હતી. જોકે હવે રાજ્ય સરકારે આ ચિંતા પણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
હાલમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ સહિત વાહન મરામત સહિત મુસાફરીના લગતા ખર્ચ તેમજ મોંઘવારીની સ્થિતિ સહિતના તમામ પાસાઓ પર વિચારણા કર્યા બાદ હવે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખને મળતા વાર્ષિક પ્રવાસ ભથ્થામાં પચાસ ટકાથી સાંઈઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આમ રાજ્યના દરેક જિલ્લાની પંચાયતના પ્રમુખ અને રાજ્યની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખને નવા ભથ્થાનો લાભ મળશે. પંચાયત ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ના ઉપ સચિવ દ્વારા આ અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જે તાલુકા અને જિલ્લા પંચાયતને પરિપત્ર મોકલવામાં આવ્યો છે.
Published On - 11:44 am, Wed, 23 August 23