ખેતી માટે ખુબ જ મહત્વનુ હોય છે, ખાતર પરંતુ રાજયમાં કેટલીક જગ્યાએથી ખાતરની તંગીની ફરીયાદો ઉઠી છે. તો કેટલાક ખેડુતો (Farmers) કેમીકલયુકત ખાતરનો ઉપયોગ ત્યજીને દેશી ખાતરનો ઉપયોગ કરીને ઓછા ખર્ચમાં વધુ આવક મેળવે છે. જામનગર (Jamnagar)ના દરેડમાં ખેતીનો વ્યવસાય કરતા જોબનપુત્રા ભાઈઓએ આર્ગેનિક ખેતી (Organic farming)ને અપનાવી.
ખાસ ખેતી માટે ગાયના છાણ (Cow dung) સહીતની સામગ્રીથી ઓર્ગેનિક ખાતર તૈયાર કરે છે. જે માટે 100થી વધુ ગાયની સંભાળ લે છે. અને ગાય માટે ખેતરમાં વાવેતર કરીને તેને આર્ગેનીક ખેતીથી વાવેતર કરેલ ખોરાક આપવામાં આવે છે. ગાયની સંભાળની સાથે છાણનો સંગ્રહ કરીને તેમાથી દેશી ખાતર બનાવે છે. જે ખેતીમા ઉપયોગ કરે છે.
દેશી ઓર્ગેનીક ખાતર (Indigenous organic fertilizer)થી ખર્ચ ધટે છે. અને ઉત્પાદન વધે છે. જેનાથી આવકમાં વધારો થાય છે. તેમજ જમીની ફળદ્રુપતા વધે છે. કેમીકલયુકત ખાતરથી ખર્ચ વધે છે. જયારે દેશી ખાતર ગાયના છાણથી ખેડુત પોતે તૈયાર કરી શકે છે. જેનાથી ખર્ચ ઓછો અને આવક વધે છે. દેશી ખાતરથી થતા ફાયદાઓને કારણે અનેક ખેડુતો પ્રેરણા લઈને ઓર્ગેનીક ખેતી તરફ વળ્યા છે.
દરેડમાં ઉઘોગની સાથે સંક્ળાયેલા કમલેશભાઈ અને અશોકભાઈ ખેતી વારસામાં મળી છે. તેમને ગાય પ્રત્યેનો લગાવ હોવાથી એક-એક કરીને કુલ 170 જેટલી ગાય માટે ગૌશાળા બનાવી છે. જયાં પોતે ગાયની સારસંભાળ લઈને તેની સેવા કરે છે. સાથે ખેતી વારસામાં હોવાથી બંન્ને કામ એક સાથે કરે છે. ગૌપ્રેમની ભાવનાથી ગાયની સેવા કરવાની શરૂઆત કરી. એક ગાયથી શરૂઆત કરી હતી. અને ગાય આધારિત ખેતી કરે છે ને ગાયને ખાવા માટેનો ખોરાકની પણ તેમના જ ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરે છે, એટલે કે ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી ઓર્ગેનિક દવાઓ અને ખાતર બનાવે છે અને તેમના જ ખેતરમાં શેરડી તેમજ અન્ય પાકોનું ઉત્પાદન કરી અને ગાય માટેનો ખોરાક ઉગાડે છે.
ગાય માટે જુવાર , બાજરા , મગફળી અને શેરડીનું ઓર્ગેનિક ખેતીથી ઉત્પાદન કરવામાં આવે છે. ખેતીમાં ઘનજીવામૃત વાવેતરમાં નાખી અને ત્યારબાદ જીવામૃત નાખવામા આવે છે અને ત્યારબાદ જો અન્ય કોઈ રોગ જોવા મળે જેવા કે ઈયળ કે અન્ય કોઈ તો દસપાણી અર્ક નાખવામાં આવે છે , વધુ ઉત્પાદન મેળવવા માટે સપ્તધાન અર્ક નાખવામાં આવે છે તેમજ પાકમાં જો કોઈ જીવાત કે મિલિબગ જોવા મળે તો ગૌમૂત્ર તેમજ છાશનો છંટકાવ કરવામાં આવે છે. આ પદ્ધતિથી ખેતી કરતા તેમને ઉત્પાદનમાં પણ ખૂબ સારો ફાયદો થયો છે. તેમજ આરોગ્યની દ્રષ્ટિએ પણ આ ખૂબ લાભદાયી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. 97 વર્ષના પિતા પાસેથી ઓર્ગેનિક ખેતીની પ્રેરણા મેળવી કામલેશભાઈએ ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી.
ઓર્ગેનિક ખેતી અને રાસાયણિક ખેતરમાં મુખ્ય તફાવત એ છે કે રાસાયણિક દવા અને ખાતર એ લોકોના શરીરને નુકસાન પહોંચાડે છે તો બીજી તરફ ઓર્ગેનિક ઉત્પાદનથી પાકની મીઠાસ તેમજ ઉત્પાદન સારું મળે છે અને લોકોનું સ્વાસ્થ્ય સારું જળવાય છે.રાસાયણિક ખાતરથી કરેલી ખેતીથી જમીનને ખૂબ જ નુકસાન થાય છે જ્યારે ઓર્ગેનિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધે છે અને જમીન વધુ સારી થાય છે.
જામનગરના આ ખેડૂત એ ઓર્ગેનિક ખેતી માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઓર્ગેનિક ખેતીથી થોડા લાંબા સમયે પરંતુ ખૂબ જ સારું ઉત્પાદન અને ફાયદો મેળવી શકાય છે..આથી આજના આ યુગમાં જ્યારે રાસાયણિક ખાતરના ભાવમાં પણ વધારો થયો છે ત્યારે ઓર્ગેનિક ખેતી ખેડૂતોને સસ્તી પણ પડે છે. આથી વધુમાં વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તેવી અપીલ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ખેડૂતોની આવક ચાર ગણી કરે છે પપૈયાના પાકમાં માત્ર આ પ્રોસેસ, જાણો કઈ રીતે
આ પણ વાંચો: વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાતા એલોવેરાની માગમાં થયો છે વધારો, જાણો તેની ખેતી વિશેની સંર્પૂણ માહિતી