Surat: આગામી સમયમાં સ્થાનિકોને દૂષિત પાણી પીવાનો વારો આવશે? જાણો કેમ પાલિકાની ચિંતા વધી

સુરતમાં કોઝવેની સપાટી નીચી જાય ત્યારે વોટર લેવલ ડાઉન જતા ઓછા અને દૂષિત પાણીની ફરિયાદ મોટાભાગના વિસ્તારોમાંથી ઉઠવા પામે છે. અને આવી જ સ્થિતિ હવે થતી જોવા મળી રહી છે.

Surat: આગામી સમયમાં સ્થાનિકોને દૂષિત પાણી પીવાનો વારો આવશે? જાણો કેમ પાલિકાની ચિંતા વધી
સુરત કોઝવે
| Edited By: | Updated on: Jul 01, 2021 | 3:13 PM

ચોમાસુ માથે છે છતાં કોઝવેની સપાટી નીચી જતા પાલિકાની ચિંતા વધી છે. છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં માત્ર છુટાછવાયો વરસાદ જ વરસ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ આગાહી પ્રમાણેનો વરસાદ વરસ્યો નથી. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પણ હવે પાણી છોડવાની શકયતા વ્યક્ત કરવામાં આવી હતી. જેના કારણે સુરત મનપા દ્વારા કોઝવેના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. પણ હવે તેવું શક્ય ન બનતા કોઝવેની સપાટી 4.86 મીટર પર પહોંચી ગઈ છે.

કોઝવેની સપાટી નીચી જાય ત્યારે વોટર લેવલ ડાઉન જતા ઓછા અને દૂષિત પાણીની ફરિયાદ મોટાભાગના વિસ્તારોમાંથી ઉઠવા પામે છે. અત્યારસુધી શહેરમાં વરસાદ સારો રહ્યો હતો તે સમયે કોઝવેની સપાટી પાંચ મીટર કરતા ઉપર રહેવા પામી હતી. તે સમયે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઝવેના દરવાજા ખોલીને ગંદા કચરાનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો.

પાલિકાને અંદાજો હતો કે આ દિવસોમાં વરસાદ સારો રહેશે ઉપરાંત ઉકાઈ ડેમમાંથી પાણી પણ છોડવામાં આવશે તો ઉકાઈની સપાટી પાંચ મીટર કરતા ઉપર જળવાઈ રહેશે. જોકે પાલિકાનું આ અનુમાન ખોટું પડ્યું છે. અને હાલ કોઝવેની સપાટી 4.86 મીટર પર આવી છે.

સુરત સહિત ઉકાઈના ઉપરવાસમાં પણ વરસાદ ખૂબ ઓછો છે. હાલમાં ઇનફ્લો અને આઉટફ્લો માત્ર 600 ક્યુસેક જ નોંધાયો છે. જેના કારણે કોઝવેની સપાટી 4.86 મીટર પર અટકી છે. જેથી આગામી સમયમાં સ્થાનિક લોકોને દૂષિત પાણી પીવાનો વખત આવે તેવી સંભાવના છે.

કોઝવેની સપાટી 5 મીટર કરતા નીચે જાય એટલે આસપાસના વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદો ઉઠે છે. જેના પગલે મનપાને સિંચાઈ વિભાગને પાણી છોડવા આજીજી કરવી પડે છે. હાલમાં જ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાથી ગંદા પાણીની ફરિયાદ ઉઠી નથી. પરંતુ જો સ્થિતિ આવી રહી તો આવનારા દિવસોમાં આ ફરિયાદ સુરત મનપા માટે ચિંતા ઉભી કરી શકે છે.

 

આ પણ વાંચો: Surat: તક્ષશિલા દુર્ઘટનાના 25 મહિના બાદ પણ વાલીઓમાં ભભૂકી રહી છે ન્યાય માટેની આગ, કરી આ માંગ

આ પણ વાંચો: National Doctor’s Day: કોરોના થયો હોવા છતાં ચૂક્યા નહીં ડોકટરનો ધર્મ, જીવના જોખમે દર્દીનો બચાવ્યો જીવ