
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મગફળીના સરકારી ગોડાઉનમાં 6 માર્ચે સવારે લાગેલી આગના થોડા કલાકોમાં જ બીજીવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે.
આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આ ઘટનાને શંકાસ્પદ ગણાવીને કૌભાંડનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે 10 કલાકમાં એક જ ગોડાઉનમાં બીજીવાર આગ લાગવી એ ગંભીર બાબત છે અને એવું લાગી રહ્યું છે કે પુરાવાઓ નાશ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. જો કે ગોડાઉનમાં રહેલી 50000 કિલોથી વધુ મગફળી બળી ખાખ થઈ ગઈ અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જો કે ગોડાઉન મેનેજરની હાજરી બાદ જ ખરેખર કેટલું નુકસાન થયું છે તેની સચોટ માહિતી મળી શકશે.
આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આ ઘટનાને લઈ તંત્ર પર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટી જેવા જરૂરી સાધનોની વ્યવસ્થા નહોતી, જે શંકાને વધુ મજબૂત બનાવે છે. તેમણે તંત્રને પ્રામાણિક તપાસ કરવાની અપીલ કરી અને આગના કારણે પુરાવાઓ નાશ કરવાની શંકાને ધ્યાને લેવા જણાવ્યું.
હાલ તંત્ર અને ફાયર વિભાગની ટીમો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાના પ્રયત્નોમાં લાગી છે અને આગ લાગવાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
થાનગઢના નાયબ કલેક્ટર હરેશભાઇ મકવાણાએ આ ઘટનાને લઈને માહિતી આપી હતી કે થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ વેરહાઉસના ભાડાના મકાનમાં સ્થિત ગોડાઉનમાં મગફળીના 25,000 બેગનો જથ્થો મોજૂદ હતો. પ્રાથમિક માહિતી મુજબ આ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. તંત્ર અને ફાયર બ્રિગેડની તાત્કાલિક કાર્યવાહીથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
આગથી મગફળીના જથ્થામાં કેટલાક બેગ બળી ગયા હોવાનું જણાય છે, જ્યારે અન્ય કોઈ સામાન કે કપાસના જથ્થાને કોઈ નુકસાન થયું નથી. ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો હોવા જરૂરી છે, તેમ છતાં ગોડાઉન મેનેજરે જવાબ આપ્યો કે તેમને ત્યાં કામ શરૂ કર્યા હજી માત્ર બે દિવસ જ થયા હોવાથી સજ્જતાની સ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી તેમના સુધી પહોંચી નથી.
હાલ તંત્ર દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગ લાગવાના સાચા કારણો શોધવા માટે વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Published On - 10:25 pm, Thu, 6 March 25