સુરેન્દ્રનગરના પાટડી દસાડામાં ઠાકોર સમાજનું વિશાળ સંમેલન મળ્યુ. જેમા બહોળી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો એક્ઠા થયા હતા. સભામાં સમાજના બંધારણ અંગે અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને સમાજના યુવાનો દારૂની લતે ન ચડે તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. ઠાકોર સમાજના યુવાનો વ્યસનના રવાડે ન ચડે તે માટે સમાજના જ યુવાનો આગળ આવી વ્યસનમુક્તિના કાર્યક્રમો ચલાવે છે. ત્યારે દસાડામાં દારુ વેચનારા બુટલેગર સામે ફરિયાદ કરનારા યુવાનોને જ જેલહવાલે કરનાર PI સામે કાર્યવાહી કરવાની માગ એકસૂરે ઉઠી છે.
અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી કહ્યુ કે જે લોકો ફરિયાદી હતા તેમને જ આરોપી બનાવ્યા, જે યુવાનોએ દારૂબંધી માટે ગામમાં મહેનત કરી, એ સામાન્ય યુવાનો હતા. એ લોકો વ્યસન મુક્તિ માટે કામ કરી રહ્યા હતા. તેમને જ પોલીસે જેલ હવાલે કર્યા. આવા પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ સાથે અલ્પેશ ઠાકોરે સમાજના કુરિવાજો અને દેખાદેખીમાંથી સમાજ બહાર આવે અને સમાજના 16 સૂત્રીય બંધારણનો અમલ કરવા પર પણ તેમણે ભાર મુક્યો.
ગેનીબેન ઠાકોરે યુવાનોને માર મારનારી પોલીસ સામે કાર્યવાહીની કરી માગ
ગેનીબેન ઠાકોરે પણ જણાવ્યુ કે દસાડા અને વાલવડા ગામના યુવાનોએ જે પોલીસને આવેદનપત્ર આપી બુટલેગર સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેની સામે કાર્યવાહી કરવાને બદલે ફરિયાદી યુવકોને જ માર મારવામાં આવ્યો, તેમના ઉપલા અધિકારીઓએ આ મારનારા પોલીસ સામે કોઈ કાર્યવાહી ન કરી. ત્યારે આવનારા સમયમાં આ યુવાનોને માર મારનારા પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પોલીસ એવુ બિલકુલ ન સમજે કે તેમના હપ્તારાજને કારણે આ સમાજના યુવાનો બરબાદ થવા દેવાના છે.
ગેનીબેન ઠાકોરે કહ્યુ કે એ PI એ એમની ફરજ બરાબર અદા કરી નથી, કાયદો વ્યવસ્થા બરાબર જાળવી નથી. પરંતુ આવનારા સમયમાં સમગ્ર દસાડા પોલીસ સ્ટેશન હોય કે આજુબાજુના પોલીસ સ્ટેશન હોય આવનારા સમયમાં એક સારા સમાજના નિર્માણ માટે એક ભગીરથ કાર્યમાં તમે સહકાર આપો. જે યુવાનો દારુ ડ્રગ્સ કે વ્યસન મુક્તિનું કામ કરે છે તેમને સહયોગ કરો.
Input Credit- Sajid Belim- Surendranagar