લખતરના લીલાપુર ગામ નજીકથી નિકળતી સૌરાષ્ટ્ર શાખા નર્મદા નહેર ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ ખેતરમાં મુકેલા 4 હજારથી વધુ મણ એરંડાનો પાક તણાઈ ગયો છે. એરંડામાં જ ખેડૂતોએ 35 લાખથી વધુ નુકસાન થયાની ભીતિ વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઘઉં અને ચણાના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોની મહેનત પર ફટકો પડ્યો છે. આ મુદ્દે ખેડૂતોએ પાક ધોવાણનો સર્વે કરીને યોગ્ય વળતર ચુકવવાની માગણી કરી છે.
આ પણ વાંચો : Surendranagar ના સાયલા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર, થોરીયાળી ડેમ તળીયા ઝાટક
નર્મદા નિગમના ઈજનેરે ઘટનાસ્થળે જઈને પાણી ઓવરફ્લો થવાના કારણોની તપાસ હાથ ધરી હતી. તો જેટકોના ટ્રાન્સફોર્મર ડીપ થઈ જતા ખામી સર્જાઈ હતી અને તેના કારણે પાણી ઓવરફ્લો થઈ ખેતરોમાં ફરી વળ્યાનું જાણવા મળ્યું હતું. વહીવટી તંત્રની ભૂલના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સરપંચની આગેવાનીમાં લીલાપુર ગામના ખેડૂતોએ મામલતદાર અને સંબંધિત અધિકારીઓને અરજી આપી છે. લખતર, પાટડીના ધારાસભ્યએ પણ ખેડૂતોને ખુબ નુકસાન થયું હોવાથી વહેલી તકે વળતર આપવાની માગણી કરી હતી.
આ અગાઉ બનાસકાંઠા જિલ્લાના થરાદના ઓત્રોલ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડવાના કારણે નજીકના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. આ કેનાલની આસપાસના ખેતરોમાં રાયડો, એરંડો તથા જીરું જેવા પાકનું વાવેતર કરવામાં આવેલું હતું. કેનાલમાં ગાબડું પડવાથી વિવિધ પાકમાં પાણી ફરી વળ્યું હતું. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. ખેડૂતોએ કહ્યું કે આ રીતે કેનાલમાં ગાબડાં પડતાં ખેડૂતોએ અથાક મહેનત કરીને પકવેલા મહામૂલા પાકને નુકસાન પહોંચે હતો. કેનાલની અધુરી સાફ-સફાઈ અને હલકી ગુણવત્તાના કારણે વારંવાર કેનાલમા ગાબડા પડતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.
વારંવાર કેનાલમાં પડતા ગાબડાં એ ખેડૂતો માટે મોટી મુશ્કેલીનું કારણ બને છે ત્યારે જ્યાંથી કેનાલ પસાર થતી હોય અને આસપાસ ખેતર હોય તેવી જગ્યાએ કેનાલનું બાંધકામ કાચું હોવાનો પ્રશ્ન ઉભો થાય છે. આવી જગ્યાઓએ માટી અને સિમેન્ટની કોથળીઓ મૂકીને પુરાણ કરવામાં આવતું હોય છે અને પાણીનો પ્રવાહ આવતા માટી ધસી પડતી હોય છે તેના કારણે ગાબડાં પડવાની સમસ્યા સર્જાતી હોય છે અને મહામહેનતે પકવેલા પાકનો સોંથ વળી જતો હોય છે.
Published On - 12:03 pm, Tue, 21 February 23