સુરેન્દ્રનગર : સસ્તા અનાજના દુકાનદારો આજથી હડતાળ ઉપર ઉતર્યા
દુકાનદારોનો આક્ષેપ છે કે મહિલા પુરવઠા અધિકારી દ્વારા 100 ટકા અનાજ વિતરણ, રાત્રે 10 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવા અને રેશનકાર્ડ ધારકોના ઘરે જઈને અનાજ વિતરણ કરવાનું દબાણ કરાય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ માગણીઓ પૂરી ન થતાં સસ્તા અનાજના દુકાનદારો આજથી હડતાળ ઉપર ઉતર્યા છે. દુકાનદારોનો આક્ષેપ છે કે મહિલા પુરવઠા અધિકારી દ્વારા 100 ટકા અનાજ વિતરણ, રાત્રે 10 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવા અને રેશનકાર્ડ ધારકોના ઘરે જઈને અનાજ વિતરણ કરવાનું દબાણ કરાય છે. પણ સામે અનાજનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી કરાવાતો. મહિલા પુરવઠા અધિકારીએ એક સસ્તા અનાજના દુકાનદારને પાસા લગાવવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ થયો છે. જેને પગલે દુકાનદારોમાં રોષ વ્યાપ્યો છે. જિલ્લા ભરના 500થી વધુ અનાજના દુકાનદારો હડતાળમાં જોડાયા છે. દિવાળી સમયે જ સસ્તા અનાજના દુકાનદારોની હડતાળથી અનેક પરિવારો અનાજથી વંચિત રહી ગયા છે. દુકાનદારોની માગણી છે કે હાલમાં કાર્યરત જિલ્લા પુરવઠા અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવે.
હાલ તો સસ્તા અનાજની દુકાનદારોની હડતાળને પગલે ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે દુકાનદારોની માંગણી કયારે સંતોષવામાં આવે છે તેના પર સૌ-કોઇ નજર રાખીને બેઠા છે. આ હડતાળમાં જિલ્લાભરના 500થી વધારે દુકાનદારો જોડાયા છે. ત્યારે દિવાળી ટાણે જ હડતાળને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને, આ હડતાળનો અંત કયારે આવશે તેવા સવાલો ઉઠી રહ્યાં છે.