World Bicycle Day 2023 : 3 જૂન વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . જેના ભાગરૂપે સુરતમાં વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં 500 જેટલા વિદ્યાર્થીઓએ સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી સાયકલના ઉપયોગ અને જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી.
સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં ગુરૂકુળના 500 જેટલા વિદ્યાર્થીઓએ 3 જૂન-વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષ્યમાં લોકોને પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને સાયકલ ચલાવવાથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા સાયકલની વિશાળ પ્રતિકૃતિ બનાવી હતી.
શાળાના આચાર્ય અરવિંદભાઈ ઠેસિયા અને ધર્મેશભાઈ સલીયા તેમજ પૂ. ધર્મવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી સાયકલના ઉપયોગ અને જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી. પરિવહન માટેના એક સરળ, પોષણક્ષમ અને ખર્ચરહિત, પર્યાવરણની સુરક્ષા માટે અત્યંત અનુકૂળ સાધન એવી સાયકલનો સિમ્બોલ બનાવી ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.
દર વર્ષે 3 જૂને વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ સાયકલનું મહત્વ સમજાવીને સ્વાસ્થ્ય અને પર્યાવરણના ફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે. સાયકલ ચલાવવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેને નિયમિત રીતે ચલાવવાથી શરીર સ્વસ્થ અને ફિટ રહે છે. લોકોમાં ઉત્સાહનો સંચાર કરે છે. જેના લીધે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ જાગૃતિ ફેલાવવા માટે 2018 માં ‘વર્લ્ડ સાયકલ ડે’ ઉજવવાનું શરૂ કર્યું.
આ વર્ષે છઠ્ઠો ‘વિશ્વ સાયકલ દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 3 જૂન, 2018 ના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવાની સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુએનના અધિકારીઓ, ખેલાડીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સાયકલ ચલાવવાનું મહત્વ અને તેના સ્વાસ્થ્યને થતા ફાયદાઓ પણ સમજાવવામાં આવ્યા હતા. તેની બાદ આ દિવસ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવ્યો.
યુનાઈટેડ નેશન્સ અનુસાર, આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વભરના દેશોને વિવિધ વિકાસ વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક વિકાસ નીતિઓ અને કાર્યક્રમોમાં સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથે, રાહદારીઓની સલામતી અને સાયકલ ચલાવવાની સલામતીને પણ પ્રોત્સાહન આપવાનું છે. તેમાં લોકોમાં સાયકલનો વ્યાપ વધારવા અને તેના ફાયદાઓ વિશે માહિતી આપવાનો સમાવેશ થાય છે. જેથી લોકો સાયકલ ચલાવવાને તેમના જીવનનો એક ભાગ બનાવી શકે.
Published On - 6:33 am, Sat, 3 June 23