સુરતની (Surat) વીર નર્મદ યુનિવર્સિટીની (VNSGU) કોલેજમાં થયેલા પેપરલીક કેસમાં તપાસ કમિટીએ (Inquiry Committee) વધુ 8 વ્યક્તિઓના નિવેદન નોંધ્યા છે. વાડિયા વિમેન્સ કોલેજના વધુ 8ના વ્યક્તિઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. તપાસ કમિટી દ્વારા કોલેજના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવ્યા છે. ત્યારે હવે ફાઇનલ રિપોર્ટ આવતીકાલે કુલપતિને સોંપવામાં આવે તેવી શક્યતા છે. રિપોર્ટ બાદ દોષિતો સામે દંડાત્મક કાર્યવાહી કરાશે.
સુરતમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા લેવાઇ રહેલી ઓફલાઇન પરીક્ષામાં એક સાથે પાંચ પેપર લીક થવાની ગંભીર ઘટના બની હતી. જેમાં તપાસ માટે 14 સભ્યની કમિટીની રચના કરવામાં આવી છે. પેપર લીકની ઘટનામાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. કમિટીએ પેપર લીક પ્રકરણ સાથે સંકળાયેલાઓને રુબરુ બોલાવી નિવેદન લેવાનું શરુ કર્યું છે. તપાસ કમિટી દ્વારા અગાઉ 11 વ્યક્તિના નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યારે હવે વધુ 8 વ્યક્તિઓના નોંધ્યા નિવેદન છે.
આ કલંકિત ઘટનામાં કૉલેજ કે યુનિવર્સિટી પૈકી કોઇએ આ ઘટનાને છુપાવી રાખી હતી તે સ્પષ્ટ છે. કારણકે વાડિયા વિમેન્સ કોલેજમાં પેપર ખૂલી ગયા બાદ ફરી સીલ મારી દેવાયા હતા. તે દરમિયાન પેપરો વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. પેપરો 24 કલાક અગાઉ જ લીક થયા હતા. તેમ છતા કૉલેજ સંચાલકોએ યુનિવર્સિટીને જાણ કરી હતી કે નહી તે એક સવાલ છે. તો યુનિવર્સિટીને જાણ કરી હોય તો પરીક્ષા રદ કરવા 24 કલાકની રાહ કેમ જોવાઇ તે પણ તપાસનો વિષય છે. જેથી તપાસ કમિટી સામે અનેક પડકારો છે.
નર્મદ યુનિવર્સિટી દ્વારા પેપર લીક થતા બી.એ, બી.કોમની પાંચ પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. આ મુદ્વે આજે એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. કુલપતિને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે આ પેપર લીક કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ જે લોકોની સંડોવણી છે. તે તમામ વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત આ કાંડમાં સંડોવાયેલા તમામ લોકો ઉપર યુનિવર્સિટી તંત્ર દ્વારા ફોજદારી ફરિયાદ કરવામાં આવે અને તમામને હંમેશા માટે શિક્ષણ સંસ્થામાંથી હટાવવામાં આવે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો