Surat : સુરતમાં પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ સામે આવ્યું છે. સુરતમાં લોકરમાં (Locker) મુકવા આવેલા એક વ્યક્તિ પોતાની સોનાની બે લગડીઓ બહાર ભૂલી ગયા હતા. જો કે લોકરના માલિકે આ સોનાની લગડીને (Gold bar) 8 મહિના સુધી સાચવીને રાખી હતી અને આખરે 8 મહિના બાદ તેના મૂળ માલિકને સોનાની બે લગડીઓ પરત કરવામાં આવી છે.
આ પણ વાંચો- Monsoon 2023 : હજુ તો ચોમાસાની ઈનિંગ શરૂ નથી થઈ, અને અમદાવાદ શહેરમાં ભુવાઓએ વટાવી અડધી સદી !
ઈમાનદારી અને પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ હીરા નગરી સુરતમાં સામે આવ્યું છે. સુરતમાં 8 મહિના બાદ સોનાની બે લગડીઓ મૂળ માલિકને પરત આપીને લોકરના માલિકે માનવતા મહેકાવી છે. વાત એવી છે કે સુરતમાં કતારગામ કિરણ હોસ્પિટલ પાસે કતારગામ સેઈફ ડીપોઝીટ વોલ્ટ આવેલું છે. જેના માલિક દિનેશભાઈ ઠુમ્મર છે. તેઓ છેલ્લા 10 વર્ષથી અહીં કતારગામ સેઈફ ડીપોઝીટ વોલ્ટ ચલાવે છે. તેમને ત્યાં 8 મહિના પહેલા એક ગ્રાહક સોનાની દસ તોલાની બે લગડીઓ લોકરમાં મુકવા આવ્યા હતા, પરંતુ તે લોકરની જગ્યાએ બહાર ભૂલી ગયા હતા અને આ અંગેની જાણ ગ્રાહકને ન રહી.
જો કે આ વાત સેઇફ ડીપોઝીટ વોલ્ટના માલિક દિનેશભાઈના ધ્યાને આવી હતી. જેથી તેમણે સોનાની બે લગડીઓ સાચવીને મૂકી દીધી હતી અને મૂળ માલિકને પરત મળે તે માટે તેમણે પોતાના તમામ ગ્રાહકોને ફોન અને મેસેજ કરીને જાણ પણ કરી હતી, પરંતુ 8 મહિના સુધી કોઈ સામે આવ્યું ન હતું.
8 મહિના બાદ નીતિનભાઈ વઘાસીયા કે જેઓ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ લોકરમાં પોતાની સોનાની બે લગડીઓ ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી લેવા આવ્યા હતા, પરંતુ તેમાં સોનાની બે લગડીઓ ન હોવાથી તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. આ દરમિયાન તેમણે ત્યાં બોર્ડ પણ વાંચ્યું હતું કે કોઈના કીમતી વસ્તુ ગુમ થયા હોય તો તેઓ દિનેશભાઈ ઠુમ્મરનો સંપર્ક કરે. જેથી નીતિન વઘાસીયાએ દિનેશભાઈનો સંર્પક કરીને જાણ કરી હતી.
બાદમાં દિનેશભાઈએ પુરતી ખરાઈ કરીને સોનાની બે સોનાની લગડીઓ ડાયમંડ એસોસિએશન અને અગ્રણી વેપારીઓની હાજરીમાં મૂળ માલિકને પરત કરી હતી. આ લગડીઓ અંદાજીત 12 થી 15 લાખની કીંમતની હતી.
મહત્વનું છે કે દિનેશભાઈની ઈમાનદારી અને પ્રમાણિકતાનું આ ઉતમ ઉદાહરણ છે. ભૂતકાળમાં પણ તેમણે લાખોના હીરા મૂળ માલિકોને પરત કરેલા છે. લગડીઓ પરત મળતા મૂળ માલિકે પણ દિનેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો અને ડાયમંડ એસોસિએશન તેમજ હીરા વેપારીઓએ દિનેશભાઈ ઠુમ્મરનું સન્માન કરીને તેઓની આ કામગીરીને બિરદાવી પણ હતી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:09 pm, Sat, 8 July 23