સુરતમાં સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી યુવકે સગીરાને પ્રેમની વાતો કરીને સગીરાને પોતાનો શિકાર બનાવી હતી. મામલાની પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી શોએબ શેખની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે. વિધર્મી યુવકે સગીરા ધોરણ 9માં અભ્યાસ કરતી હતી ત્યારે જ પોતાની વાતોમાં ફસાવી હતી અને તેની લગ્નની લાલચ આપીને સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ. ખટોદરા પોલીસે ઘટના અંગે તપાસ શરુ કરી છે.
આરોપી યુવક સુરતમાં ચિકન શોપ ધરાવે છે અને તે ખટોદરાના આઝાદનગર વિસ્તારમાં રહે છે. યુવકે સગીરાનો સતત પીછો કરતો હતો અને બાદમાં યેનકેન પ્રકારે મોબાઈલ નંબર મેળવી લઈને વોટ્સએપ દ્વારા વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સગીરાને તેણે પોતાની વાતોમાં ભોળવી હતી અને બાદમાં લગ્નની લાલચો આપી હતી.
ખટોદરા વિસ્તારમાં 15 વર્ષીય સગીરા ધોરણ 10માં અભ્યાસ કરે છે. તે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી ત્યારે વર્ષ 2022 માં ઓક્ટોબર મહિનામાં તે ખટોદરા આઝાદ નગર વિસ્તારમાં રહેતા સોયેબ શફી શેખ સાથે સંપર્કમાં આવી હતી. આરોપી સોયેબ ચીકનની શોપ ચલાવતો હતો અને તે સગીરાનો પીછો કરતો હતો. અને બાદમાં સગીરાનો મોબાઈલ નબર મેળવી લીધો હતો.
આરોપીએ સગીરાનો મોબાઈલ નબર મેળવ્યા બાદ વોટ્સએપ પર વાતચીત કરતો હતો બાદમાં સગીરાને લગ્નની લાલચ આપી અને તેના પરિવાર કરતા પણ વધુ સારી રીતે સાચવશે તેમ જણાવી પ્રેમ જાળમાં ફસાવી હતી અને આરોપીએ સગીરાને પોતાના ઘરે તેમજ અલથાણ ગાર્ડન ખાતે મળવા બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.
સગીરા છેલ્લા 15 દિવસથી સ્કુલ અને ટ્યુશન જતી ન હતી જેથી માતાએ તેણીની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલે સગીરાના પરિવારે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published On - 1:26 pm, Fri, 18 August 23