સુરત મનપાના વરાછા(Varachha ) ઝોનમાં પુણા વિસ્તારની કેટલીક સોસાયટીમાં ડોર ટુ ડોર ગાર્બેજ(Door to Door ) કલેક્શનની નબળી કામગીરીનો સ્થાનિકોએ રવિવારે અનોખો વિરોધ કર્યો હતો . છેલ્લા ચાર દિવસથી કચરા ગાડી ન આવતાં કેટલીક સોસાયટીના રહીશોએ જાહેર રોડ પર કચરાના ઢગ કર્યા હતા . લોકોની ફરિયાદ બાદ પણ કચરા ગાડી નહીં મોકલતાં લોકોએ રસ્તા પર કચરો ફેંકીને પોતાનો ગુસ્સો અને વિરોધ વ્યક્ત કર્યા હતો .
સુરત મનપાના વરાછા ઝોનમાં પુણા વિસ્તારમા શાંતિનીકેતન સોસાયટી આવેલી છે. આ સોસાયટી ઉપરાંત અન્ય કેટલીક સોસાયટીમાં છેલ્લા ચારેક દિવસથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડી આવતી નથી . આ અંગે સોસાયટીના રહીશોની ફરિયાદ બાદ પણ ગાડી નહીં આવતાં વિફરેલા લોકોએ પાલિકાની આંખ ખોલવા માટે ઘર ઘરનો કચરો ભેગો કરીને જાહેર રસ્તા પર નાખ્યો હતો .
સોસાયટીના લોકો આક્રોશ કરતાં જણાવ્યું હતું કે , ચાર ચાર દિવસથી કચરા ગાડી ન આવતાં લોકોના ઘરમાં કચરો ભેગો થયો હતો . પાલિકા તંત્ર કે ચુંટાયેલા પ્રતિનિધિમાથી પણ કોઇ સાંભળતું ન હોવાથી પાલિકાની આંખ ખોલવા માટે જાહેર રસ્તા પર કચરો નાંખવામા આવ્યો છે . હજી પણ પાલિકા તંત્ર કચરા ગાડી નિયમિત નહી કરે તો આગામી દિવસોમાં લોકો દ્વારા આક્રમક વિરોધ કરવામા આવશે . લોકોનો આવો વિરોધ જોઇને પાલિકા તંત્ર દોડતું થયું છે .
અન્ય એક સ્થાનિકનું કહેવું છે કે સ્વચ્છતા ના નામે સુરત શહેર અનેક એવોર્ડ મેળવે છે. પણ પોશ વિસ્તારોને બાદ કરતા શહેરના ઘણા વિસ્તારોની હાલત એવી છે જ્યાં સ્વચ્છતા માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અમારા વિસ્તારની જ વાત કરી લો, અમારી સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી કચરા ગાડી આવી નથી. કોર્પોરેશનની ઝોન ઓફિસમાં અસંખ્ય વાર રજૂઆતો કરી છે, પણ કોઈ સાંભળવા આવ્યું નથી. કોર્પોરેટરોના ફોન બંધ આવે છે.
જેથી લોકોએ આખરે કંટાળીને રસ્તો જાહેરમાં ફેંકવાની ફરજ પડી છે. જો આવું ને આવું રહેશે તો અમે આગામી દિવસોમાં સોસાયટીનો બધો કચરો ભેગો કરીને કોર્પોરેશનની કચેરી નહીં તો મેયરના ઘરની બહાર ફેંકવા જઈશું. સ્વચ્છતાના નામે જયારે આટલા એવોર્ડ મહાનગરપાલિકાને મળતા હોય તો કોર્પોરેશને દરેક વિસ્તારોમાં સરખું ધ્યાન આપવાની પણ જરુર છે.
આ પણ વાંચો : અમદાવાદના સરખેજમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીની ધરપકડ, સરખેજ રોજા કમિટીએ કરી હતી ફરિયાદ
આ પણ વાંચો : કચ્છના બેન્ટોનાઇટ ઉદ્યોગ પર સંકટના વાદળો, નીતિ બદલવા ગુજરાતના સીએમને પત્ર લખ્યો