Surat: ભર ઉનાળે ઓલપાડ તાલુકાના ખેડૂતો (Farmers) સિંચાઈના પાણી (Irrigation water)માટે વલખા મારી રહ્યા છે . સિંચાઈના પાણીના અભાવે હજારો વીઘામાં વાવેતર થયેલા ડાંગરનો ઉભો પાક પાણી વિના સુકાઈ રહ્યો છે. જોકે, પાણી નહીં મળવા પાછળ ખેડૂતો સિંચાઈ વિભાગના અધિકારીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે ડાંગર અને શેરડીનો પાક લેવામાં આવે છે. ખાસ કરીને, સુરત જિલ્લાના ખેડૂતો ઉકાઈ ડેમના પાણી ઉપર નભે છે અને ડાંગરનો મબલક ઉત્પાદન મેળવે છે. જોકે, સમયસર સિંચાઇના પાણી ન મળવાના કારણે ખેડૂતો હાલાકી ભોગવતા આવ્યા છે. આ વર્ષે પણ ઉકાઈ ડેમ છલોછલ ભરેલો હોવા છતાં ખેડૂતોને પાણી મળી રહ્યું નથી. જેને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ ખેડૂતોના ખેતરોમાં ડાંગરનો પાક તૈયાર છે પરંતુ પાણીના વાંકે હવે પાક નષ્ટ થઇ રહ્યો છે.
ઓલપાડ તાલુકાના કરમલા, અટોદરા, ઇસનપોર સહિતના ટેઈલ વિસ્તારના ગામોના ખેડૂતોના હાલ બેહાલ થયા છે. બીજી તરફ કાંઠા વિસ્તારના ખેડૂતોની પણ એ જ હાલત છે. માત્ર ત્રણ ગામના જ 1500 હેક્ટરથી વધુ જમીન પર પાકને પાણીની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. પાણીના અભાવે શેરડી તેમજ ડાંગરનો પાક નષ્ટ થવાના આરે છે. પાણી વગર જમીનમાં ભરોઠા પડવા માંડ્યા છે. હજુ એક સપ્તાહ પાણી નહિ મળશે તો પાક સુકાવા માંડશે અને ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવશે ત્યારે ખેડૂતો પાણી નહીં મળવા પાછળ સિંચાઈ વિભાગની આડોડાઈને જવાબદાર ઠેરવી રહ્યા છે.
કુદરતી આફત આવે અને ખેડૂતોને નુકશાન થાય એ માનવામાં આવે છે. પરંતુ હાલ ખેડૂતોની સમસ્યાનું કારણ સિંચાઈ વિભાગ છે. ગત 19 તારીખથી રોટેશન મુજબ કેનાલમાં પાણી શરુ કરવામાં આવ્યું હતું. અને તરત જ માંડવી તાલુકાના ધરમપુર ગામ ખાતે કેનાલની સેફટી વોલ તૂટી જતા એક સપ્તાહ જેટલો સમય કેનાલ બંધ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત ચાલુ વર્ષે શેરડી તેમજ ડાંગરનું મબલક રોપાણ ઓલપાડ તાલુકામાં થયું છે. માત્ર ઓલપાડ પેટા વિભાગની વાત કરવામાં આવે તો 3200 હેક્ટર ડાંગર, 4000 હેક્ટર શેરડી તેમજ અન્ય પાકો અને શાકભાજી મળી 9000 હેક્ટરનું વાવેતર થયું છે. જેથી તમામ લોકોને એક સાથે પાણીની જરૂરિયાત છે. ત્યારે બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનો દાવો સિંચાઈ વિભાગ કરી રહ્યું છે.
દક્ષિણ ગુજરાત ડેમ અને સુવ્યવસ્થિત સિંચાઈ યોજનાને લઇ સમૃદ્ધ છે. સમયસર પાણી મળતું રહે છે અને ખેડૂતો આ પાણી થકી વધુમાં વધુ પાક લેતા હોય છે. પરંતુ સિંચાઈ વિભાગની અણ આવડત કહો કે પછી અધિકારીઓનું અણઘડ આયોજન, ઉનાળો શરુ થતા ટેઈલ વિસ્તારના તેમજ કાંઠા વિસ્તારના ગામોમાં દર વર્ષે પાણી માટે લોકોએ વલખા મારવા પડતા હોય છે. ત્યારે સિંચાઈ વિભાગે ખેડૂતોની સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ માટેના પ્રયાસ કરવા જોઈએ એ જ માંગ જગતનો તાત કરી રહ્યો છે.
આ પણ વાંચો :સુરતની લાજપોર જેલના કેદીઓ રજુ કરી વ્યથા, જુઓ કેદીઓના પશ્ચાતાપનો હૃદયસ્પર્શી વીડિયો
આ પણ વાંચો :પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલને અપાઇ સન્માનજનક અનોખી વિદાય, લીના પાટીલની ભરૂચ ખાતે બદલી થઇ