સુરતના(Surat)કાપોદ્રાના હીરાબાગ પાસે બે લોકરક્ષકે (Lokrakshak)એક લકઝરી બસને અટકાવી હતી. તેઓએ લક્ઝરી બસના ડ્રાઈવરને 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બંને લોકરક્ષકે ગેરકાયદે રીતે ડુપ્લીકેટ બનાવેલી(Duplicate receipt ) બુકમાંથી 1 હજાર રૂપિયાની રસીદ આપી પૈસા લઇ લીધા હતા. પરંતુ બાદમાં આખો મામલો સામે આવતા આખરે બંને લોકરક્ષક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે લોકરક્ષકમાં ફરજ બજાવતા રમીજ અનવરભાઇ અને પ્રતાપભાઇ લખુભાઇ હાલમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જેમાં પ્રતાપ ડ્રાઈવર તરીકે અને રમીજ ઓપેરટર તરીકે ફરજ બજાવે છે. પરંતુ બંનેએ પોતાના અંગત ફાયદા માટે પોલીસની ડુપ્લીકેટ રસીદ બુક બનાવી લીધી હતી.
કાપોદ્રામાં હીરાબાગ પાસે બંનેએ એક લકઝરી બસને અટકાવી હતી અને ડ્રાઈવરને 1 હજાર રૂપિયાની રસીદ આપી પૈસા લઇ લીધા હતા. આ રસીદ ડુપ્લીકેટ હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. ડ્રાઈવર 1 હજાર રૂપિયા ચૂકવી રસીદ લઈને નીકળી ગયો હતો. પરંતુ બાદમાં ડ્રાઈવરને શંકા જતા તેમણે રસીદ બસના માલિકને મોકલી હતી. બસના માલિકને પણ રસીદ પર શંકા જતા તેઓએ ખરાઈ કરવા અન્ય પોલીસ અધિકારીને રસીદ મોકલતા રસીદ ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું.
જેથી આખરે આ મામલે લોકરક્ષક કનુભાઇ દિનેશભાઇ ભાટી એ લોકરક્ષક રમીજ અને લોકરક્ષક પ્રતાપ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે બંને સામે બોગસ દસ્તાવેજના આધારે ગુનો નોંધ્યો હતો. કાપોદ્રામાં પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એન.બી.બારોટને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad : ઓઢવ સામુહિક હત્યા કેસમાં ખુલ્યો રાઝ, પત્નીના અનૈતિક સંબંધોમાં હત્યાને આપ્યો અંજામ
Published On - 4:07 pm, Thu, 31 March 22