સુરતને હીરાનગરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે સુરત શહેરના વરાછા રોડ પર આવેલ મોહનનગર સોસાયટીમાં આવેલ સંત આશિષ ડાયમંડ ફેક્ટરીમાં લાખોના હીરા ચોરી થવાની ઘટના બની છે. જેમાં એક અજાણ્યો ઇસમ મોઢે રૂમાલ બાંધી 50 લાખ જેટલી રકમના હીરા લઇ ફરાર થઇ ગયો હતો. પોલીસે પણ ઘટનાની ગંભીરતા જોતા વિવિધ ટીમો બનાવીને હીરા ચોરને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ સીસીટીવી દ્વારા આરોપીનો સ્કેચ બનાવીને તપાસ શરૂ કરી છે.
સુરત શહેરમાં ગુનાખોરી વધી રહી છે. ગુનેગારો ખુલ્લેઆમ ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે વધુ એક ઘટના બનવા પામી હતી સુરતના વરાછા રોડ પર આવેલ મોહનનગરમાં સંત આશિષ ડાયમંડ ફેક્ટરીમાં 50 લાખની કિંમતના હીરાની ચોરી થવાની ઘટના બની છે. વહેલી સવારે એક ઇસમ મોઢે રૂમાલ બાંધી ફેક્ટરીમાં ઘૂસ્યો હતો અને અન્ય કારીગરોની નજર ચૂકવી બોઇલ કરવા મુકેલા 150 કેરેટ જેટલા હીરાને સિફતપૂર્વક લઈને ફરાર થઇ ગયો હતો.
ચોરી થયેલા આ હીરાની કિંમત અંદાજે 50 લાખ રુપિયા જેટલી માનવામાં આવી રહી છે. બીજી તરફ ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીમાં જોવા મળે છે કે એક વ્યક્તિ મોઢા પર રૂમાલ બાંધીને ચાલુ કારખાનામાં પ્રવેશ કરે છે અને માળીયામાં પડેલા 50 લાખના હીરાની પોટલી લઇને ફરાર થઇ જાય છે.
કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 50 લાખની કિંમતના હીરાની ચોરી થતા કારખાનેદાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટિમ ઘટના સ્થળે પોહચી તાપસ શરૂ કરી હતી અને સીસીટીવી આધારે આરોપીને પકડી પાડવા જુદી જુદી ટીમો રવાના કરી હતી. જોકે પોલીસે કારખાનેદારની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરી છે. બોઇલ કરવા મુકેલા હીરાની ચોરીની ઘટનામાં આરોપી દ્વારા અગાઉ રેકી પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો.