
સુરતઃ મોટા વરાછા ખાતે કે.પ્રકાશ જ્વેલર્સમાં બે ગઠીયાઓએ સોનાની 96,800ની કિંમતની 14.820 ગ્રામ સોનાની ચેઈન ખરીદી હતી. તેની સામે સોનાનું પડ ચડાવેલી ધાતુની 17.880 ગ્રામની સોનાની ચેઈન વેચી હતી.
સોનાના નામે ધાતુ પધરાવી જ્વેલર્સ પાસેથી 2770 રોકડા પણ પડાવી લીધા હતા. બાદમાં તપાસ કરતા માત્ર 7 કેરેટવાળી 30 હજારની કિંમતની ચેઈન હતી. આમ બંને ઠગ જ્વેલર્સને કુલ 70 હજારનો ચુનો ચોપડી ગયા હતા.સુરત પોલીસે ગુનાની તપાસ દરમિયાન છ આરોપીઓને ઝડપી પાડી રૂપિયા 10 લાખ ઉપરાંતના મુદ્દામાલને કબ્જે કર્યો છે.
આરોપીઓ દ્વારા રાજ્યભરના 20 જેટલા જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી હતી. ભોગ બનનારાઓમાં સુરત, વલસાડ , અમદાવાદ, રાજકોટ, જુનાગઢ , મોરબી,જામનગર, ગોંડલ અને અમરેલીમાં જવેલર્સનો સમાવેશ થાય છે. અસલી સોનાના નામે આ ટોળકી ખોટું સોનુ પધરાવી પૈસા પડાવી લેતી હતી.
વરાછા એલએચ રોડ ખાતે ત્રિકમનગરમાં રહેતા 25 વર્ષીય કૌશિકભાઇ શાંતીભાઇ નાકરાણી અર્થ પ્લાઝા સુદામા ચોક પાસે કે.પ્રકાશ જજ્વેલર્સના નામે દુકાન ધરાવે છે અને સોના ચાંદીના ઘરેણા લે વેચનું કામ કરે છે. તેમણે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત 2 ડિસેમ્બરે સુરજ ચોકસી અને એક અજાણ્યો વ્યક્તિ તેમની દુકાને આવ્યા હતા અને એક સોનાની ચેઈન જેનું વજન ૧૪.૮૨૦ ગ્રામ કિંમત ૯૬,૮૦૦ની ખરીદી હતી. આ સામે પોતાની પાસેની ૧૮ ગ્રામ વજન અને ૨૨ કેરેટની સોનાની ચેઈન વેચવાની છે તેવી વાત કરી હતી. વેચવા માટે અપાયેલી ચેઈન પ્રાથમિક રીતે તપાસ કરતા સોનાની હોવાનું જણાઈ આવ્યું હતું. ચેઈનનું વજન કરતા ૧૭.૮૮૦ ગ્રામ થયું હતું, જેની કિં. રૂ. ૯૯,૫૦૦ નક્કી કરાઈ હતી. જવેલર્સ કૌશિકભાઈએ તફાવતના ૨૭૭૦ રોકડા આપ્યા હતા. બાદમાં આ ચેઈનની ખરાઈ કરતા તે ચેઈનની અંદરના ભાગમાં કોપર હતી અને ચેઈનમાં ફક્ત ઉપરના ભાગે સોનાનું પડ હતું.
તપાસ દરમિયાન માલુમ પડ્યું કે તે આશરે ૧૭.૮૮૦ ગ્રામ વજનની ૭ કેરેટ ગુણવત્તાવાળી આશરે 30 હજારની જ ચેઈન હતી. જવેલર્સમાંથી ખરીદી કરેલી સોનાની ચેઈનની કિંમત ૯૬,૮૦૦ હતી અને ચેઈન ખરીદી કરી હિસાબ પેટે ૭૭૦ રોકડા લઈ જઈ આરોપીઓએ કુલ ૬૯,૭૫૦ની છેતરપીંડી કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગુનાની તપાસ દરમિયાન પોલીસે ઠગ ટોળકીના 6 સાગરીતોને ઝડપી પાડયા છે.
આ પણ વાંચો : તાપી નદીમાં મરવા પડેલા યુવકનું તેના મિત્ર અને ફાયર બ્રિગેડે જીવ જોખમમાં મુકી કર્યુ રેસક્યુ- જુઓ દિલધડક વીડિયો