સુરતમાં નો ડ્રગ્સ ઇન સેફ, ફીટ એન્ડ સ્માર્ટ સુરત સિટીના સ્લોગન સાથે સુરત સિટી પોલીસ (Surat City Police) દ્વારા અલગ-અલગ સંસ્થાઓના સહકારથી આગામી 30 એપ્રિલના રોજ 5, 10 અને 21 કિલોમીટરની નાઇટ મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. રાતે 8 વાગ્યે શરૂ થનારી મેરોથોન (Marathon)1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિન સાથે મધરાતે પૂર્ણ થશે.
સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે દેશનું ભાવિ ગણાતા યુવાધનને ડ્રગ્સના ચુંગલમાંથી બચાવવા ડ્રગ્સ માફીયા વિરૂધ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતને જયારે ઇન્દોર સાથે સંયુકત રીતે સ્માર્ટ સિટીનો એવોર્ડ મળ્યો છે. ત્યારે સુરતને નો ડ્રગ્સ ઇન સેફ, ફીટ એન્ડ સ્માર્ટ સિટીના સ્લોગન સાથે શહેરની વિવિધ સંસ્થાઓના સંકલનથી સમાજને જાગૃત કરવા 30 એપ્રિલના રોજ 1 મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે ગૃહમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં નાઇટ મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં 5, 10 અને 21 કિ.મી દોડનું આયોજન કરવામાં આવ્યું છે. મેરોથોન દોડ ડુમસ રોડ રાહુલ રાજ મોલની સામે હવેલીથી શરૂ થશે. અને કેબલ સ્ટેઇડ બ્રિજ થઇ અડાજણ, અઠવા ગેટ, અઠવાલાઇન્સ રોડ, લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ થઇ વેસુ સુધીનો રહેશે. 5 કિ.મી દોડ માટે ફ્રી રજીસ્ટ્રેશન છે. જયારે 10 કિ.મી માટે 399 અને 21 કિ.મી દોડ માટે 499 રૂપિયા રજીસ્ટ્રેશન ચાર્જ છે. તથા દોડ પૂર્ણ કરનારને રજીસ્ટ્રેશન ફી પરત આપવામાં આવશે. દોડમાં અંદાજે 40 હજાર લોકો ભાગ લેશે અને હાલમાં રજીસ્ટ્રેશન શરૂ પણ થઇ ગયું છે. જયારે 23 એપ્રિલે પ્રોમોરન અને 24 એપ્રિલે પેટાથોન દોડનું પણ આયોજન કર્યુ છે.
છેલ્લા એક વર્ષથી સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સનો વેપાર કરતા લોકો સામે સતત લાલ આંખ કરવામાં આવી છે. જેમાં પણ શરૂઆતમાં SOG દ્વારા મોટા કેસો પણ કરવામાં આવ્યા હતા. અને દક્ષીણ ગુજરાતમાં સુરત ડ્રગ્સ માટે હબ ન બને તે માટે પોલીસ અને ગૃહ વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :Wimbledon 2022: રશિયા અને બેલારુસના ખેલાડીઓ પર લાગ્યો પ્રતિબંધ, ડેનિલ મેદવેદેવ સહિત ઘણા ખેલાડીઓ OUT થયા