રાજ્ય સરકાર (Government) સમક્ષ પડતર પ્રશ્નો અને જુની પેન્શન (Pension) યોજનાના અમલની માગણી સાથે સુરતના (Surat) શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રાંગણમાં જ બે મિનિટના મૌન સાથે સરકાર દ્વારા વહેલી તકે જુની પેન્શન યોજના લાગુ કરવાની સાથે – સાથે અન્ય પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા શિક્ષકોએ કાળી પટ્ટી પહેરીને બ્લેક ડે મનાવ્યો હતો. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર હાલમાં જ રાજસ્થાન સરકાર દ્વારા જુની પેન્શન યોજના લાગુ કરવામાં આવતાં હવે સુરત સહિત સમગ્ર રાજ્યના કમર્ચારીઓમાં આ સંદર્ભેની માંગણી દિવસેને દિવસે પ્રબળ બની રહી છે. જે સંદર્ભે આજે સુરત શહેર – જિલ્લા સહિત સમગ્ર રાજ્યના શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો સહિત બિન શૈક્ષણિક કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન યોજનાને પગલે કર્મચારીઓનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે આંદોલનમાં જોડાયેલા શિક્ષકોએ સૂત્રોચ્ચાર સાથે જુની પેન્શન યોજનાની બહાલી સહિત અન્ય પડતર માંગણીઓ પુરી કરવા સંદર્ભે રજુઆત કરી હતી. શૈક્ષણિક કાર્ય શરૂ કરતાં પહેલા શાળાના પરિસરમાં એકઠાં થયેલા તમામ શિક્ષકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને બેનરો સાથે રાજ્ય સરકાર વિરૂદ્ધ કાળો દિવસ મનાવવાની જાહેરાત સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
ભીખ નહીં હક્ક માંગીએ છીએ, ટેન્શન નહીં પેન્શન માંગીએ છીએ… હમારી માંગે પુરી કરો… એક હી માંગ એક હી નારા… પુરાની પેન્શન અધિકાર હમારા જેવા બેનર સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા શિક્ષકોએ ભારોભાર આક્રોશ સાથે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા છાશવારે શિક્ષકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. શૈક્ષણિક સિવાયની અન્ય જવાબદારીઓ પણ શિક્ષકોના માથે ઠોકી બેસાડવામાં આવતી હોય છે, ત્યારે હવે શિક્ષકો આરપારની લડતના મુડમાં છે. રાજ્ય સરકાર દ્વારા જો જુની પેન્શન યોજના વહેલી તકે લાગુ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં શિક્ષકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
આ પણ વાંચો :
આ પણ વાંચો :