પુણા(Puna ) વિસ્તારમાં આઈમાતા રોડ પર આવેલ રઘુવીર એમ્પાયરમાં દુકાન ધરાવતા કાપડના વેપારીએ (Textile Traders )પુણા કુંભારીયા રોડ પર આવેલ શ્યામ સંગીની ટેક્ષટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીઓ પાસેથી 40 લાખનો કાપડનો માલ ખરીદી કર્યો હતો. જેના પૈસા સમયસર ચૂકવી દેવાના વાયદાઓ આપ્યા હતા. પરંતુ બાદમાં પૈસા નહિ ચૂકવી સમયપસાર કરી પૈસા ચૂકવવાના બદલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે વેસુ વિસ્તારમાં નંદિની 2 પાસે આવેલ શ્યામ પેલેસમાં રહેતા ગૌરવ વિમલ હિમંતસીકા પુણા કુંભારીયા રોડ પર શ્યામ સંગીની ટેક્ષટાઇલ માર્કેટમાં દુકાન ધરાવે છે. પાંચ વર્ષ અગાઉ તેઓ શ્રી સાવરીયા ટેક્ષના માલીક/વહીવટ કર્તા અને રઘુવીર ટેક્સ્ટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા પ્રતાપસીંગ ના સંપર્કમાં આવ્યા હતા. જે તે સમયે તેમને આઈમાતા રોડ પર આવેલ રઘુવીર એમ્પાયરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જી-૨ તેમની ભાડેથી દુકાન હોવાની વાત કરી હતી.
બાદમાં કાપડના માલ લઇ સમયસર પૈસા ચૂકવી વિશ્વાસ ઉભો કર્યો હતો. બાદમાં તેમના સંપર્કમાં પ્રતાપસિંગ મારફતે અડાજણ વિસ્તારમાં રહેતા અશ્વીનભાઇ નટુભાઇ કોટડીયા જે પણ પ્રતાપસિંગની દુકાન સંભાળતા હતા. બાદમાં ગત તારીખ 29/03/2017 થી 13/05/2017 ના સમયગાળા દરમિયાન પ્રતાપસિંગ અને અશ્વિને ભેગા મળી રૂપિયા 48,00,197 ના કાપડના તાકાની ખરીદી કરી હતી.
જે પૈકી અમુક રકમ ચૂકવી બાકીના 40,60,197 રૂપિયા ટૂંક સમયમાં ચૂકવી દેવાનો વાયદો આપ્યો હતો. પરંતુ બાદમાં પૈસા નહિ આપતા ગૌરવભાઇ એ પૈસાની ઉઘરાણી કરતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ગૌરવભાઇ એ ગતરોજ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાપડ માર્કેટના 300 કરતા વધારે વેપારીઓનું પેમેન્ટ અટવાયું
વેપારીઓને પેમેન્ટની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાને કારણે અટવાયેલી પેમેન્ટ ઝડપથી ક્લિયર થઈ રહી નથી અને તેના કારણે નવો માલ મોકલવામાં આવતો નથી. વેલ્ફેર કમિટી દ્વારા શહેર બહારના વેપારીઓ પાસેથી વહેલામાં વહેલી તકે નાણા મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોના સમયગાળા દરમિયાન, ઘણા વેપારીઓની ચૂકવણી બાકી છે. એક વર્ષ વીતી ગયું અને પેમેન્ટ નહીં ચુકવવાના કારણે અનેક વેપારીઓ નાદારીની આરે આવી ગયા છે. દિલ્હી, કોલકાતા, જબલપુર, હૈદરાબાદ અને અમદાવાદના વેપારીઓ પાસે મોટી રકમની લેણી છે. આ 5 મોટી મંડીઓમાં મોટી રકમ ફસાયેલી છે.
આ પણ વાંચો : ભાજપના નેતાઓએ મંદિર-મસ્જિદની 513 એકર જમીન હડપ કરી, બેનામી વ્યવહારો દ્વારા કરોડો ઊભા કર્યાઃ નવાબ મલિકનો આક્ષેપ