જોકે સુરતવાસીઓ માટે શેરીમાં ફરતા શ્વાન મોટી આફત બની ગયા છે. શ્વાનના કરડવાના કારણે સુરતમાં છેલ્લા 15 દિવસમાં જ 477 કેસ નોંધાયા છે. તેમાં પણ ખાસ કરીને નાની બાળકીઓ ઉપર શ્વાને જીવલેણ હુમલો કર્યો હોય તેવી ઘટનાએ પણ પ્રકાશમાં આવી છે.
ગુજરાતીમાં એક સુભાષિત છે કે
સોબત કરતા શ્વાનની બે બાજુનું દુ:ખ,
ખીજ્યું કરડે પીંડીએ ને રીઝ્યું ચાટે મુખ
સુરતવાસીઓ આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે કે કોઈ કારણસર સુરતમાં શેરીમાં ફરતા શ્વાન સતત લોકો ઉપર હુમલો કરી રહ્યા છે અને આ હુમલો ઘણીવાર જીવલેણ પણ બની જાય છે. આંકડાકીય રીતે જોઈએ તો છેલ્લા 15 દિવસમાં જ શ્વાન કરડવાના 477 કેસ નોંધાયા છે. રખડતા શ્વાન કોઈને પણ હુમલાનો ભોગ બનાવી દે છે. કૂતરાં કરડવાના કેસમાંથી 22 કેસ તો દર્દીની હાલત ગંભીર જોવા મળી છે.
જાન્યુઆરી મહિનામાં 1 હજાર 205 લોકોને શ્વાને બચકા ભર્યા હતા. આ આંકડો જ દર્શાવે છે કે સુરતમાં રખડતા શ્વાન કોઇ મોટા સંકટથી કમ નથી સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ શ્વાન કરડયા બાદ ઇન્જેક્શન લેવા માટે દર્દીઓની લાંબી લાઇનો લાગેલી છે. મેડિકલ સ્ટાફના જણાવ્યા પ્રમાણે રોજના સરેરાશ 155થી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાય છે.
સુરતમાં શ્વાન કરડવાના કેસના આંકડા
મહત્વનું છે કે, સુરત શહેરમાં શ્વાનના હુમલા અટકી નથી રહ્યા અને એક તરફ સુરત મનપા શ્વાનના ખસીકરણ પાછળ લાખો રુપિયાનો ધુમાડો કરી રહી હોવાનો દાવો છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર શ્વાનનો ત્રાસ યથાવત રહ્યાનું જણાય છે. રાત્રે સૂતેલો ચાર વર્ષનો બાળક બાથરુમ જવા માટે ઉભો થતા જ રખડતા શ્વાનો તેને ખેંચી ગયો હતો. બાળક બાથરૂમ કરવા જતો હતો ત્યારે ચાર શ્વાને તેના પર હુમલો કર્યો હતો. બાળકના આખા શરીરે શ્વાને બચકા ભર્યા હતા જેમાં ઈજાગ્રસ્ત બાળકનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.