Surat : સેફ ડીપોઝીટ વોલ્ટના નાના કર્મચારીની ઈમાનદારી, કર્યું એવું મોટું કામ કે થઇ રહી છે વાહવાહી
વોલ્ટના કર્મચારીઓની પ્રમાણિકતાને લીધે વેપારીને તેના લાખો રૂપિયાના હીરા પરત મળ્યા છે. આજે સુરત ડાયમંડ એસોસિયેશન (Surat Diamond Association)દ્વારા સેફ વોલ્ટના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
Surat : મોંઘવારીના આ સમયમાં એક એક રૂપિયાની કિંમત ઘણી છે ત્યારે સુરતમાં ઈમાનદારીનો બદલો કઇ રીતે ચૂકવાય છે તેનું ઉદાહરણ સામે આવ્યું છે. કતારગામ (Katargam) વિસ્તારમાં સેફ ડીપોઝીટ વોલ્ટ (Safe deposit vault) માં ભૂલી ગયેલા લાખો રૂપિયાના હીરાના પેકેટ વોલ્ટના જ કર્મચારીઓએ વેપારીને પરત કર્યા છે અને માનવતાનો દાખલો બેસાડ્યો છે. ડાયમંડ એસોસિયેશન (Surat Diamond Association) દ્વારા આજે આ સેફ ડીપોઝીટ વોલ્ટના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
હીરાવેપારી રાહુલ મોરડીયા કતારગામ બંબાવાડી પાસે આવેલા સેફ ડીપોઝીટ વોલ્ટ (Safe deposit vault) માં હીરાનું પેકેટ મુકવા ગયા હતા. પણ આ પેકેટ તે વોલ્ટ ઉપર જ ભૂલી ગયા હતા અને બહાર નીકળી ગયા હતા. જોકે આ બાબત વોલ્ટના કર્મચારીના ધ્યાન પર આવતા તેણે મેનેજરનો સંપર્ક કર્યો હતો. CCTV માં જોવા મળ્યું હતું કે વેપારી આ હીરા સેફની ઉપર જ ભૂલી ગયા હતા. જે બાદ વેપારીએ ફરી વોલ્ટનો સંપર્ક કરતા ખરાઈ કરીને વેપારીને હીરાના પેકેટ પરત આપવામાં આવ્યા હતા.
વોલ્ટના કર્મચારીઓની પ્રમાણિકતાને લીધે વેપારીને તેના લાખો રૂપિયાના હીરા પરત મળ્યા છે. આ હીરાની કિંમત અંદાજે 13 લાખ સુધીની છે. આજે સુરત ડાયમંડ એસોસિયેશન (Surat Diamond Association)દ્વારા સેફ વોલ્ટના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.