Surat : મુંબઇ સહિતના દક્ષિણના રાજ્યોમાં કોરોનાનાં કેસો વધતા ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં ફરી ગભરાહટ, ધંધા પર અસર પડવાનો ડર
કોરોનાની પહેલી લહેર દરમ્યાન લોકડાઉન તેમજ બીજી અને ત્રીજી લહેર દરમ્યાન લાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે સુરતની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાતા ટેકસટાઇલ ઉદ્યોગને વ્યાપક અસર થઈ હતી.
સુરત (Surat) ના ટેક્સ્ટાઇલ(Textile) માર્કેટોના રીટેઇલ વિક્રેતાઓને(Traders) ફરીથી ડર સતાવી રહ્યો છે કે કારણ કે મહારાષ્ટ્ર(Maharastra) સહિત દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં કોરોનાનાં કેસો મળી રહ્યા છે અને એવી સ્થિતિ છે કે જો હાલની ગતિથી કોરોનાનાં કેસો મળતા રહેશે તો આગામી અઠવાડીયા-દસ દિવસમાં મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ફરીથી અનેક નિયંત્રણો લદાઇ શકે અને તેના કારણે સુરતમાં ટેકસટાઇલ ગુડ્ઝની સપ્લાય ચેઇન તૂટવાનો ડર સેવાય રહ્યો છે.
વેપારીઓને ઠીકઠીક પ્રમાણમાં ઓર્ડર મળ્યા છે. ટેક્ષટાઇલ માર્કેટો ધીમી ગતિએ પણ મંદીમાંથી બહાર નીકળી રહ્યું છે, ટેક્ષટાઇલ માર્કેટમાં તેજી પકડાય ત્યાં તો હવે ફરીથી ભારતના અનેક રાજ્યોમાં કોરોનાના કેસો ત્રણ ડિજિટમાં મળતા થઇ ગયા છે અને જો આ જ ગતિએ કોરોનાના કેસો મળતા રહેશે તો આગામી દિવસોમાં ફરીથી અનેક રાજ્યોમાં નિયંત્રણો લાગુ થાય તેવી સંભાવના નકારી શકાતી નથી.
ટેક્સ્ટાઇલ માર્કેટના અગ્રણીએ જણાવ્યું હતું કે, હાલમાં દક્ષિણ ભારત તેમજ મહારાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારોમાંથી આગામી શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને સાડી અને ડ્રેસ મટીરિયલની ડીમાન્ડ નીકળી છે અને દક્ષિણ ભારતમાં આગામી તહેવારોની ખરીદીના ઓર્ડર સુરતના વેપારીઓને મળ્યા છે. પણ જો નિયંત્રણો લદાશે તો આ ઓર્ડર ત્યાંના વેપારીઓ રદ પણ કરાવી શકે છે. આથી શક્ય ઝડપથી ઓર્ડર પૂરા કરવા માટે અનેક વેપારીઓએ દોડધામ પણ શરૂ કરી દીધી છે.
નોંધનીય છે કે કોરોનાની પહેલી લહેર દરમ્યાન લોકડાઉન તેમજ બીજી અને ત્રીજી લહેર દરમ્યાન લાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે સુરતની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાતા ટેકસટાઇલ ઉદ્યોગને વ્યાપક અસર થઈ હતી.
આ માહોલમાંથી હજી થોડો સમય સારો પસાર થઈ રહ્યો હતો, ત્યાં ફરી એકવાર કોરોનાના કેસોએ માથું ઊંચકતા વેપારીઓને ધંધા પર અસર પડવાની બીક સતાવી રહી છે. વેપારીઓને ડર છે કે જો આ ચોથી લહેર વ્યાપક રૂપ ધારણ કરશે અને કેસો વધશે તેવા સંજોગોમાં જો પ્રતિબંધ લાદવામાં આવે તો ફરી એકવાર માંડ માંડ થાળે પડેલા ધંધા પર અસર થવાની સંભાવના છે. હાલ વેપારીઓને અન્ય રાજ્યોમાંથી સારા પ્રમાણમાં ઓર્ડર મળવાના શરૂ થયા છે. પણ કોરોનાના કેસો વધતા વેપારીઓની ચિંતામાં પણ વધારો થયો છે.