સુરત (Surat) ના સચીન જીઆઈડીસી (Sachin GIDC) ખાતે ગત સપ્તાહ ઝેરી કેમિકલ (Toxic chemical)ના નિકાલ દરમ્યાન સર્જાયેલી ગોઝારી હોનારતમાં મિલમાં કામ કરી રહેલા 6 શ્રમિકોના મોત નિપજ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા હાલમાં જ સચીન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ત્રણ કંપનીના સંચાલકોની ધરપકડ કરતાં સ્થાનિક ઉદ્યોગકારો (Local Industrialist) દ્વારા આજે વિરોધ પ્રદર્શન (Protest) સાથે સ્થાનિક ઉદ્યોગકારો વિરૂદ્ધ ખોટા કેસ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સચીન જીઆઈડીસીમાં ગત છઠ્ઠી જાન્યુઆરીના રોજ વહેલી સવારે ટેન્કરમાંથી ઝેરી કેમિકલના નિકાલ દરમ્યાન પાસે જ આવેલ એક મિલમાં કામ કરી રહેલા કામદારો પૈકી ગુંગળામણને પગલે છનાં મોત નિપજ્યાં હતા જ્યારે 23 કામદારોને સઘન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સમગ્ર શહેરમાં ચકચાર જગાવનાર સચિન જીઆઈડીસીમાં ગુંગળામણથી 6 કામદારોના મોતના આ પ્રકરણમાં સ્થાનિક પીઆઈ અને સુરત જીપીસીપીના પરાગ દવેને ઘરે બેસવાનો વારો આવ્યો હતો. બીજી તરફ સમગ્ર પ્રકરણની સઘન તપાસ દરમ્યાન પોલીસ દ્વારા કેમિકલ નિકાલના રેકેટમાં સંડોવાયેલા અંકલેશ્વર અને મુંબઈના આરોપીઓ સહિત સહાજનંદ યાર્ન, રિયલ કેમિકલ અને જય બજરંગ કેમિકલના સંચાલકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
જેને પગલે આજે સચીન જીઆઈડીસીના 100થી વધુ ઉદ્યોગકારોએ વિરોધ પ્રદર્શન સાથે સ્થાનિક વેપારીઓને ખોટી રીતે આ પ્રકરણમાં આરોપી બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ઉદ્યોગકારોએ આ દરમ્યાન જણાવ્યું હતું કે, પોલીસ અને જીપીસીબી દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યા છે તે ખોટી રીતે લીધા છે અને સચીનના ઉદ્યોગકારો કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી જ કેમિકલ વેસ્ટનો નિકાલ કરે છે.
આ ત્રણેય કંપનીઓમાંથી જે કેમિકલના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે ટ્રીટમેન્ટ થાય તે પૂર્વેના હતા. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો તંત્ર દ્વારા આ રીતે જ ખોટી હેરાનગતિ કરવામાં આવશે તો નાછૂટકે ઉદ્યોગો બંધ કરવાની ફરજ પડશે.
આ પણ વાંચોઃ CORONA: સુરત મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર શરૂ કરવા તજવીજ હાથ ધરાઈ
આ પણ વાંચોઃ ફેસબુક પર છોકરીનું આઈડી બનાવી સુરતના યુવકને ફસાવનાર ભાવનગરનો આરોપી પકડાયો