Surat : સુરતના જહાંગીરપુરા SMC કોમ્યુનીટી હોલમાં ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર (Ajay Tumar) સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમમાં ઝોન -5ની હદમાં આવતા 6 પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરી દોઢ કરોડથી વધુનો મુદામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.
સુરતમાં પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરી નામદાર કોર્ટના હુકમ આધારે વહેલી તકે મુદામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે. ત્યારે સુરતમાં જહાંગીરપુરા ખાતે આવેલા એસએમસી કોમ્યુનીટી હોલમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ નાગરિકો અને સ્થાનિક કોર્પોરેટરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઝોન-5 ની હદમાં આવતા ઉત્રાણ, અમરોલી, જહાંગીરપુરા, રાંદેર, અડાજણ પાલ મળી કુલ 6 પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ ડિટેક કરી 1 કરોડ 59 લાખ 39 હજાર 980 રૂપિયાનો મુદામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.
તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં કુલ 436 જેટલા ફરીયાદી/અરજદારોને તેઓનો મુદામાલ પરત કરવામાં આવ્યો હતો. જેમાં 277 મોબાઈલ, 146 વાહનો તેમજ 22.64 લાખના દાગીના હતા. લોકોને પોતાનો મુદામાલ વહેલી તકે પરત મળી જતા પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં અરજદારને સૌ પ્રથમ કોર્ટની મંજુરી લેવામાં તેમજ પોલીસના અભિપ્રાયમાં પણ સમય જતો હોય છે. સાથે સાથે પોલીસના અભિપ્રાય બાદ મુદ્દામાલ છોડાવવા માટે ધક્કા ખાવા પડે છે. જેથી સમય અને શક્તિનો વ્યય થાય છે. આવું ન થાય અને અરજદારોને સરળતાથી તેઓનો મુદામાલ મળી રહે તે માટે તેરા તુજકો અપર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 436 જેટલા ફરીયાદી/અરજદારોને એક સાથે તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો.