રીલ્સ બનાવવા માટે યુવાનો જ નહીં પણ આધેડ પણ જીવ જોખમમાં મુકતા જોવા મળી રહ્યા. છે તો વળી કાર કે બાઈક સાથે જોખમી સ્ટંટ કરીને રીલ બનાવી વીડિયો વાયરલ કરવાનુ ચલણ વધતુ જઈ રહ્યુ છે. પરંતુ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ રાજ્યમાં પોલીસે આંખ લાલ કરી દીધી છે. જોખમી સ્ટંટ કરતા હોય કે પછી, બેફામ વાહન હંકારનારાઓના વીડિયો વાયરલ થતા હોય તેમને હવે પોલીસ સીધી જ જેલની હવા ખવડાવીને શાન ઠેકાણે લાવી રહી છે. આવી જ રીતે સુરતમાં એક મોંઘીદાટ લકઝુરીયસ કાર પર બેસીને સ્ટંટ કરનારા બે સગા ભાઈઓને સુરત પોલીસે પાઠ ભણાવ્યો છે.
સુરત શહેરમાં રાત્રીના સમયે કાર હંકારી એક વ્યક્તિ કારની ઉપર બેસી રહેલો જોવા મળ્યો હતો. જેમનો વીડિયો વાયરલ થતા જ પોલીસે હવે તેમની સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે, પોલીસે કાર ચાલક અને કાર પર સ્ટંટ કરનારને જેલને હવાલે કર્યા છે.
રાત્રી દરમિયાન કારની છત પર બેસીને રસ્તા પર ફરતા હોવાનો એક વીડિયો ખૂબ વાયરલ થવા લાગ્યો હતો. આ વીડિયો રીલ સુરતની હોવાનુ જણાતા જ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે કારના ચાલકનો પત્તો લગાવીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી શરુ કરી હતી. મોંઘીદાટ લક્ઝરીયર્સ કાર લઈને બે શખ્શો રાત્રીના દરમિયાન સુરત શહેરમાં નિકળ્યા હતા. આ દરમિયાન એક શખ્શ સનરુફ ખોલીને કારની ઉપર બેઠો હતો અને આમ કારનો સ્ટંટ કર્યો હતો જેનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
સુરતમાં બે સ્ટંટબાજ અઝહર અને એઝાઝ શેખ ઝડપાયા#Surat #Gujarat #TV9News pic.twitter.com/qVAoIxyvmU
— Tv9 Gujarati (@tv9gujarati) July 29, 2023
ઘટના ડુમસ વિસ્તારની હોવાનુ સામે આવ્યુ હતુય ઘટનાને લઈ ઉમરા પોલીસ વીડિયોને લઈ હરકતમાં આવી હતી અને તપાસ શરુ કરતા કાર ચાલક અને કારની ઉપર બેઠેલા શખ્શની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી.
કીમ વિસ્તારમાં રહેતા અઝહર સલીમ શેખ અને એઝાજ સલીમ શેખ નામના બે શખ્શો સગા ભાઈ હોવાનુ પોલીસની તપાસમાં ખૂલ્યુ હતુ. તેમણે થોડાક સમય પહેલા જ નવી કાર ખરીદી હતી અને જેને લઈ બંને જણા રસ્તા પર ફરવા માટે નિકળ્યા હતા. બંને ભાઈઓ કાર લઈને ડુમસ વિસ્તારમાં ફરવા નિકળ્યા હતા. જ્યાં તેઓએ આ વીડિયો બનાવ્યો હતો. બંને ભાઈઓ વિસ્તારમાં પોતાની માલિકીની હોટલ ચલાવે છે. જોકે પોલીસે વીડિયો શુટિંગ કરનારા શખ્શની સામે કોઈ કાર્યવાહી કરી નથી. વીડિયો ઉતારનાર શખ્શ પાસે આ બંને ભાઈઓએ વીડિયો બનાવડાવ્યો હોવાને લઈ તપાસ કરાશે કે કેમ તે પણ સવાલ છે.
Published On - 8:20 pm, Sat, 29 July 23