Surat: સ્મીમેર હોસ્પિટલમાં( SMIMER Hospital) દર્દીઓ અને તેના સબંધીઓને ખુબ જ હાલાકી પડી રહી છે કારણ કે હોસ્પિટલમાં પાણીનું કુલર તો છે પરંતુ તેમાં પાણી આવતું નથી. આપ પાર્ટીના કોર્પોરેટરોએ હોસ્પિટલની વિઝીટ કરતા આ સમસ્યાઓ સામે આવી હતી. દર્દીઓને હાલ પીવાનું પાણી બહારથી ખરીદીને લાવવું પડે છે
સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેઓના સગા સબંધીઓને બહારથી પાણી લાવવાની ફરજ પડી રહી છે. કારણ કે હોસ્પિટલમાં પાણીના કુલર તો છે પરંતુ તેમાં પાણી જ આવતું નથી.
આપ પાર્ટીના કોર્પોરેટર તેમજ હોસ્પિટલ સમિતિ સભ્ય રચનાબેન હિરપરા અને કોર્પોરેટર મહેશભાઈ અણઘણ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી આ દરમ્યાન અહી દાખલ દર્દીઓ અને તેઓના સગા સબંધીઓની મુલાકાત લેતા આ સમસ્યા સામે આવી હતી. અહી દાખલ દર્દીની પત્નીએ રડતી આંખે કહ્યું કે અહિયાં તો પીવાનું પાણી પણ બહારથી લાવવું પડે છે.
આપ પાર્ટીના કોર્પોરેટર રચના હીરપરાએ જણાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલની અમે સમયાંતરે મુલાકાત લેતા હોઈએ છીએ, આજે અમે મુલાકત લીધી તો પીવાના પાણીના કુલર તો હતા પરંતુ કુલરમાં પાણી જ આવતું ન હતું. દર્દીઓને મજબુરીમાં પીવાનું પાણી વ્હેચાતું લાવવું પડી રહ્યું છે. આ સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી કહેવાય, અમે આ અંગે મનપા કમિશ્નરને રજૂઆત કરી છે કે અહી પીવાના પાણીની સુવિધા જલ્દીથી શરુ કરવામાં આવે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે અને પીવાના પાણીનો મુદ્દો પણ સામે આવતા આજે મેયર હેમાલીબેન બોઘાવાલાએ સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અલગ અલગ વોર્ડમાં પણ તેઓ ગયા હતા અને દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી .
જેમાં દર્દીઓને મળીને તેમના પ્રશ્નો જાણ્યા હતાં. આજે મેયર દ્વારા લેવામાં આવેલી મુલાકાતમાં જે મુદ્દાઓ સામે આવ્યા તે બાબતે સ્મીમેર તંત્રને તાત્કાલિક નિરાકરણ લાવવા આદેશ પણ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:24 pm, Sat, 8 July 23