
સુરત (Surat) શહેરના પુણા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પીવાના પાણીની (Drinking water) રામાયણ સર્જાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતના વાલક અને સરથાણા ઈન્ટેક વેલમાં પાવર સપ્લાયમાં સમસ્યા સર્જાતા ઉદ્ભવેલી આ સ્થિતિને કારણે આજે સ્થાનિક વિસ્તારની મહિલાઓએ મહાનગર પાલિકાના વહીવટી તંત્ર વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, દેશની પહેલા નંબરની સ્માર્ટ સિટી સુરતમાં ભર ચોમાસે જ પાણીની મોકાળ સર્જાતા ન છૂટકે ટેન્કરો (water Tanker) થકી પાણી ભરવાની નોબત આવી છે.
એક તરફ સુરત શહેરમાં છેલ્લા થોડા દિવસથી ચોમાસુ જામ્યુ છે. સારો એવો વરસાદ ખાબક્યા બાદ પણ પુણા વિસ્તારમાં લોકોને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના પુણા વિસ્તારમાં પાણીની અછતથી લોકો પરેશાન છે. પુણા વિસ્તારમાં નાલંદાથી સીતાનગર સુધીના વિસ્તારમાં આવેલો અંદાજે 35 જેટલી સોસાયટીઓમાં ગઈકાલથી પાણીનો સપ્લાય ખોરવાઈ જવા પામ્યો હતો. જેને પગલે આજે પણ પાણીનું વિતરણ ન થતાં સ્થાનિક મહિલાઓએ પીવાના પાણી માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. ઘરના કામ કાજ છોડીને મહિલાઓએ પાણી ભરવાના કામને પ્રાથમિકતા આપવી પડે છે.
સ્થાનિકોએ એ પણ ઉમેર્યું હતું કે, આ માટે અમે ગઈકાલથી અમારા નગરસેવકોનો સંપર્ક કરી રહ્યા છે. પણ કોઈ પરિણામ નથી મળ્યું, ન તો તેઓ પાણી પુરવઠો શરૂ કરાવી શક્યા છે કે ન તો તેઓ અમારા માટે ટેન્કરની વ્યવસ્થા કરાવી શક્યા છે. છેલ્લે અમારે જાતે જ પાણીનું ટેન્કર મંગાવવુ પડ્યું છે.
સ્થાનિકો દ્વારા આ સંદર્ભે વહીવટી તંત્ર સમક્ષ રજુઆત કરતાં આજે બપોર બાદ સ્થિતિ રાબેતા મુજબ થશે તેવી હૈયા ધરપત આપી હતી. અલબત્ત, આજે સવારથી જ સમગ્ર વિસ્તારમાં ચારથી વધુ ટેન્કરો દ્વારા સોસાયટીઓમાં પીવાના પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે મનપાના વહીવટી તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર ગઈકાલે ભારે વરસાદને પગલે વાલક અને સરથાણા ઈન્ટેક વેલમાં પાવર સપ્લાયમાં સમસ્યા ઉદ્ભવતાં પાણી પુરવઠામાં અનિયમિતતા જોવા મળી રહી છે અને આજે બપોર બાદ સ્થિતિ રાબેતા મુજબ થઈ જશે.