બે દિવસ પહેલા જ સુરત મનપાની (SMC) સામાન્ય સભામાં ભાજપના (BJP) કોર્પોરેટરોએ આપ (AAP) માંથી ભાજપમાં આવેલી કોર્પોરેટર કુંદન કોઠિયા વિરુદ્ધ આપના કોર્પોરેટર દ્વારા લગાવેલા વીડિયોગ્રાફીના આક્ષેપ સામે ગૃહને માથે લીધું હતું અને ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. તે જ મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયાએ ભાજપને તમાચો મારી ફરી ગુલાટ મારી છે અને આપ સાથે જોડાઈ ગયા છે. છેલ્લા એક સપ્તાહમાં ભાજપમાંથી આપમાં ગયેલા બે કોર્પોરેટરો ફરી આપમાં જોડાતા ભાજપની આબરું નીલામ થઈ હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે . ખાસ કરીને બે દિવસ પૂર્વે સામાન્યસભામાં આપના સભ્યના આક્ષેપ સામે ભાજપના કોર્પોરેટરોએ મહિલા કોર્પોરેટરો કુંદન કોઠિયાનું ઉપરાણું લઈ ભારે હોબાળો બોર્ડમાં કર્યો હતો અને વિપક્ષી સભ્ય પાસે માફી મગાવવાની માગણી કરી હતી. તે જ મહિલા સભ્ય આજે ભાજપમાંથી ફરી આપમાં જોડાતા ભાજપ ફિક્સમાં મૂકાઈ ગયું છે .
ખાસ કરીને આપના તબક્કાવાર 6 કોર્પોરેટરોને તોડીને ભાજપમાં લાવવા બદલ જે નેતાઓ કોલર ઊંચા કરીને ફરતાં હતા, તે નેતાઓની હાલત કફોડી બની ગઈ છે. તબક્કાવાર આપમાંથી અન્ય કોર્પોરેટરો પણ વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ થોડા દિવસો પૂર્વે જોર પકડ્યું હતું, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં ભાજપમાં જોડાયેલ બે મહિલા સભ્ય ફરી આપમાં સામેલ થતાં આગામી દિવસોમાં ભાજપનો ખેસ પહેરનાર આપના બાકી રહેલ ચાર કોર્પોરેટરોમાંથી પણ એક – બે કોર્પોરેટરો આપમાં પુનઃ પ્રવેશ કરે તેવી શક્યતા છે .
આમ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સુરતના સ્થાનિક રાજકારણમાં પણ ઘણો ગરમાવો આવી રહ્યો છે. સુરતમાંથી ગુજરાતના રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા રાખતી આમ આદમી પાર્ટી હવે ચૂંટણી માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આ પહેલા આપમાંથી ભાજપમાં ગયેલા મહિલા નગરસેવક મનીષા કુકડીયા આપમાં પાછા ફર્યા હતા અને હવે ફરી એકવાર કુંદન કોઠિયાએ ઘરવાપસી કરી છે. જે નગરસેવકો આપમાંથી ભાજપમાં જઈને આપ પાર્ટી પર સવાલ ઉઠાવતા હતા તે હવે ફરી પાછા આપમાં જોડાઈને ભાજપની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :