હાલ સુરત(Surat ) અને રાજ્યમાં કોરોના ના કેસો તેના સર્વોચ્ચ તબક્કા પર નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોના સંક્ર્મણ અટકાવવા માટે કોન્ટ્રાકટ (Contract ) પર કામગીરી કરતા મેડિકલ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને આજે મ્યુનિસિપલ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા.
આયુષ એસોસિયેશન વતી નર્સીંગ, લેબ ટેક્નિશ્યન તેમજ આયુષ ડોક્ટર સ્ટાફ સહિતના કર્મચારીઓએ મનપા કચેરી પર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેઓનું પગાર ધોરણ ઘટાડી દેવામાં આવતા તેમના દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
એક કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં તેઓએ જીવના જોખમે કામગીરી કરી છે. કોરોનાની ત્રીજી લહેરમાં પણ તેઓ પોતાના જીવની પરવાહ કર્યા વિના રાત દિવસ ખડેપગે કામગીરી કરી રહ્યા છે. પરંતુ પગારની બાબતે તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.
આજે તેમના દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં તેઓએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં જયારે કેસ વધતા હતા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ આયુષ સભ્યોને 35 હજાર પગાર આપવાની જાહેરાત કરી હતી, અને છતાં તે ઘટાડીને 30 હજાર આપવામાં આવતો હતો. પણ આ વખતે તે ઘટાડીને 22 હજાર કરી દેવામાં આવ્યો છે.
તેઓએ સવાલ કર્યો હતો કે બીજા મેડિકલ ઓફીસરોનો પગાર 60 હજાર છે તો તેમની સાથે આવો ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે ? હાલ તેમના પર કામકાજનું ભારણ સતત વધી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સ્ટાફ દ્વારા કોરોનાની રેપિડ ટેસ્ટ એન્ટ્રી, આરટીપીસીઆર ટેસ્ટ, ફોર્મ એન્ટ્રી, વેક્સિનેશન એન્ટ્રી જેવા કામ કરવામાં આવે છે.
આ માટે અગાઉ પણ તેમના દ્વારા અનેકો વખત આરોગ્ય અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. હાલ કોરોના સંક્ર્મણ પીક પર છે તેવામાં આ કર્મચારીઓએ પગારને લઈને તેમની માંગણીઓ બુલંદ બનાવી હતી, તેઓએ ઉમેર્યું હતું કે જો પગારની માંગણી સંતોષવામાં નહીં આવે તો તેમના દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો :
SURAT : PM MODIના હસ્તે Rubber Girl અન્વી ઝાંઝરૂકિયાને વર્ચ્યુઅલી એવોર્ડ એનાયત થશે