રોકેટ ગતિએ વધી રહેલા કોરોનાના (Corona) કેસોને કારણે શહેરમાં રિકવરી રેટમાં (Recovery Rate) પણ તબક્કાવાર ઘટાડો નોંધાઈ રહ્યો છે. એક તબક્કે સુરતમાં 99 ટકાથી વધુની રિકવરી હતી. તેની સામે હવે રિકવરી રેટ ઘટીને 96 ટકાની નીચે આવી ગયો છે. મહત્વની વાત તો એ છે કે છેલ્લા 3 દિવસથી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ધીમો, પરંતુ વધારાનો ટ્રેન્ડ પણ નજરે પડી રહ્યો છે.
પહેલા લોકોને એવું હતું કે આ વાયરસ માઈલ્ડ છે અને તેમાં નજીવી સારવારથી પણ સારું થઈ જાય છે પણ આંકડા જે દર્શાવે છે તે થોડી ચિંતા જરૂર ઉભી કરી રહ્યું છે. કારણ કે એક્ટિવ કેસો પૈકી હાલ દાખલ દર્દીઓની સંખ્યા 82 નોંધાઈ છે. જે એક દિવસ પહેલા 61 હતી અને બે દિવસ પહેલા ફક્ત 39 જ હતી.
તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રીવ્યુ બેઠકો કરીને કોરોનાને કાબુમાં કેવી રીતે કરવો તેની રણનીતિ બનાવવામાં આવી રહી છે. બે દિવસ પહેલા જ કલેકટર દ્વારા રીવ્યુ બેઠક કરીને સિવિલ, સ્મીમેર અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા અને ઓક્સિજન પ્લાન્ટ બાબતે રીવ્યુ લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાની દ્વારા પણ આ પહેલા લોકોને સચેત કરવામાં આવ્યા હતા કે હોસ્પિટલાઈઝેશન ઓછું છે જેને સહજતાથી લેવાની જરૂર નથી. ભલે હાલ હોસ્પિટલાઇઝેશનના આંકડા પણ નજીવા છે પણ જે ધીમી રીતે વધી રહ્યા છે તે પણ સતર્ક થઈ જવા માટે પૂરતા છે.
નોંધનીય છે કે રોજેરોજ કોરોનાના કેસો જે ગતિથી વધી રહ્યા છે, તેને જોતા આગામી દિવસોમાં સ્થિતિ વણસવાની પુરેપુરી સંભાવના દેખાઈ રહી છે. ત્યારે લોકોએ ગભરાયા વિના કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરવાનો સમય આવી ગયો છે. જો લોકો દ્વારા સમજદારી બતાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોરોનાનો અજગરી ભરડો વધે તેવી પુરે પુરી શક્યતા છે.
આ પણ વાંચો : Bhavnagar : રસીનો જથ્થો ખૂટતા શુક્રવારે બાળકોનું રસીકરણ બંધ રહેશે
આ પણ વાંચો : પીએમ મોદીની સુરક્ષામાં ચૂક માટે પંજાબના મુખ્યમંત્રી રાજીનામું આપે : સીઆર પાટીલ