રામનવમીનું પર્વ નજીક છે ત્યારે સુરતમાં એક જ્વેલર્સ દ્વારા સુંદર મજાની રામમંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણાધીન છે ત્યારે સુરત શહેરના એક જ્વેલર્સે એક અનોખું રામ મંદિર બનાવ્યું છે. જેને ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવશે. આ મંદિરની વિશેષતા એવી છે કે તમને સાત સાત રામ મંદિરના દર્શન થતા હોય તેવો આભાસ થાય છે.
સુરતના જ્વેલર્સ દિપક ચોક્સીના શો રૂમમાં બનાવાવમાં આવેલું ચાંદીનું રામ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ રામ નવમીના દિવસે આ ચાંદીના મંદિરની પ્રતિકૃતિ ભાવિકો માટે દર્શનાર્થે મૂકવામાં આવશે.
સુરતના જ્વેલર્સે રામ નવમી ધ્યાને રાખીને તેમજ લોકોની માગણીને ધ્યાનમાં રાખીને ચાંદીનું મંદિર બનાવ્યું છે અને તેમાં સરસ મજાની કોતરણી પણ કરી છે. ચાંદીમાંથી બનેલા આ રામ મંદિરની કિંમત 80 હજાર થી લઈ 5 લાખ સુધી રાખવામાં આવી છે.
ચાંદીની અલગ અલગ પ્રતિકૃતિ બનાવવા માટે અંદાજિત બે મહિના સુધીનો સમય લાગ્યો છે. સૌ પ્રથમ તો આરામ મંદિરની પ્રતિકૃતિ પુઠાની અંદર ઊભી કરવામાં આવી હતી. ચાંદીમાંથી બનાવેલા આ રામ મંદિર માટે પહેલા ડિજિટલ ફ્રેમ બનાવવામાં આવી હતી . ત્યારબાદ લાકડામાં મંદિર બનાવાયું હતું અને આખરે તેને છેલ્લો ઓપ આપીને મંદિરને ચાંદીમાં ઢાળવામાં આવ્યું હતું. દેશમાં આગામી વર્ષમાં જ્યારે રામમંદિર ભાવિકો માટે ખુલ્લૂ મૂકાશે, ત્યારે લોકો તેના દર્શન કરી શકશે. જોકે સુરતમાં ભાવિકો તે પહેલા જ ચાંદીના રામ મંદિરના દર્શન કરી શકશે.
સુરતના આ જ્વેલર્સ દ્વારા જે અલગ અલગ ચાંદીની ચાર રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે તેનો મહત્વનો ઉદ્દેશ એ છે કે આગામી દિવસોમાં સુરતના ભાવિકો એક મહિના સુધી આ મંદિરના દર્શન કરી શકે. તેમજ રામ નવમીના પર્વ પહેલા અયોધ્યાના મંદિર જેવા જ દર્શન થઈ શકે.