સુરતના પાંડેસરા વિસ્તારમાં એક સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા થઈ છે. રૂપિયાની નાની મોટી લેવડદેવડમાં બે યુવક પર ચાર જેટલા ઈસમોએ લાકડાના ફટકા વડે મારમાર્યો હતો. જેમાં એક યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેને લઇ પાંડેસરા પોલીસે આ અંગે ચાર ઇસમો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- Gujarati Video: આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો, વારંવાર માવઠાથી ખેડૂતો પરેશાન
સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રમુખ પાર્ક નજીક આવેલ રેલવે ઓવરબ્રિજ નીચે ગત રોજ સવારે નાસ્તાની લારી પર અજય તિવારી અને વિનોદકુમાર ગુડ્ડુ નાસ્તો કરવા માટે આવ્યા હતા. દરમિયાન 32 વર્ષીય યુવક વિનોદ કુમાર ગુડ્ડુને ચાર જેટલા ઈસમોએ માર મારતાં તેનું મોત નીપજ્યું છે. પ્રમુખ પાર્ક પાસે નાસ્તાની લારી ચલાવનાર વિભૂતિ શાહ નામના ઇસમ સાથે સામાન્ય બોલાચાલી થતા ઝઘડો થયો હતો અને જેને લઇ વિભૂતિ અને તેના અન્ય ત્રણ મિત્રોએ વિનોદ કુમાર ગુડ્ડુ અને તેના મિત્ર અજય તિવારી પર લાકડાના ફટકા વડે માર માર્યો હતો.
નાસ્તાની લારી પર વિનોદકુમાર ગુડ્ડુ અને અજય તિવારી પર વિભૂતિ શાહ અને તેના મિત્ર વિશ્વાસ ઉર્ફે બાપિયા ગવાડે, બીપીન સિંહ રાજપુત અને ભૂપેન્દ્ર ઉર્ફે બોબ તિવારી દ્વારા લાકડાના ફટકા મારવામાં આવ્યા હતા. જેમાં વિનોદકુમાર ગુડ્ડુને પગ અને હાથ ઉપરાંત માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે વિનોદકુમારનું મોત નીપજ્યું હતું.
નાસ્તાની લારી ચલાવનાર વિભૂતિ શાહ અને તેના ત્રણ મિત્રો દ્વારા બંને યુવકોને માર માર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
ઘટના અંગે એસીપી ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે પાંડેસરાના પ્રમુખ પાર્ક બ્રિજ નીચે નાસ્તાની લારી પર વિનોદ કુમાર ગુડ્ડુ અને અજય તિવારીની નજીવા રૂપિયાની લેવડદેવડમાં સામાન્ય બોલાચાલી થઈ હતી. બાદમાં ઝઘડો ઉગ્ર બન્યો હતો. જેને લઇ વિભૂતિ શાહ અને તેના મિત્રોએ વિનોદ કુમાર ગુડ્ડુ પર લાકડાના ફટકા વડે માર માર્યો હતો. ત્યારે હવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…