સુરત મહાનગરપાલિકાના(SMC) ફાયર વિભાગના(Fire ) કાફલામાં ટૂંક સમયમાં અત્યાધુનિક એવું 42 મીટર ઊંચાઈ(Hight ) સુધી પહોંચી શકતું ટર્ન ટેબલ લેડર જોડાઈ જશે. આ અંગે માહિતી આપતા ડેપ્યુટી કમિશનર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ અત્યાધુનિક ટીટીએલ ચારેબાજુ 360 ડીગ્રી પર ફરી શકે છે. વધુમાં 42 મીટર ઉંચાઈ સુધી આ ટીટીએલનું પ્લેટફોર્મ જઈ શકતું હોવાથી આટલી ઉંચાઈ સુધી ફસાયેલા કોઈ પણ વ્યક્તિને આગ અકસ્માત જેવી ઘટનાઓમાં બચાવી શકાય છે. 7 કરોડની અંદાજીત કિંમત ધરાવતા આ ટીટીએલની ખાસ વાત એ છે કે અત્યારના હાઈડ્રોલિક પ્લેટફોર્મ કરતા પણ વધુ ઝડપથી તે ઊંચાઈ પર ફસાયેલા વ્યક્તિને બચાવવા જઈ શકશે.
આ પ્લેટફોર્મમાં કેજ (પાંજરું) હોવા સાથે એક લીફ્ટ પણ આપવામાં આવી છે, જેનો ફાયદો એ છે કે વધુ સંખ્યામાં માણસો ફસાયા હોય તો કેજ દ્વારા તબક્કાવાર માણસોને રેસ્ક્યુ કરતા તેઓ લીફ્ટ દ્વારા નીચે ઉતરતા જાય અને પ્લેટફોર્મ દ્વારા બીજી તરફ બચાવ કાર્ય ચાલુ રહી શકે. મતલબ કે આખું પ્લેટફોર્મ રેસ્ક્યુ કરાયેલા માણસોને ઉતારવા માટે નીચે લાવવાની જરૂર રહેતી નથી. ટીટીએલમાં કોમ્પ્યુટરાઈઝ પ્રોગ્રામિંગની સુવિધાને પગલે વારંવાર જોખમી સ્થળનું પ્રોગ્રામિંગ કરી દેવાય તો બીજી વાર એજ સ્થળે આગ-અકસ્માતની ઘટનામાં ઓટો મોડ પર ઝડપથી કામગીરી થઇ શકે છે.
વધુમાં ટીટીએલ સાથે ધુમાડાને બહાર કાઢવા માટે સ્મોક એક્ઝોસ્ટ ફેન અને ફાયર ફાઈટીંગ માટે મોનીટર જેવી સુવિધાઓ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ટેન્ડર શરતો મુજબ કામગીરી થઇ રહી છે કે કેમ એના નિરીક્ષણ અર્થે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાય અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બસંત પારીક ગયા અઠવાડિયા દરમ્યાન જર્મની જઈ આવ્યા છે.
આગામી 17 માર્ચે ટીટીએલ ત્યાંથી રવાના થશે અને શીપ – કાર્ગો દ્વારા દરિયાઈ માર્ગે એપ્રિલ અંત સુધીમાં સુરત આવી જશે એવો અંદાજ છે. મનપા દ્વારા આવાજ અત્યાધુનિક પરંતુ 55 મીટર ઉંચાઈના વધુ એક ટીટીએલ માટે પણ વર્કઓર્ડર આપી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો :