Surat: હાલમાં તો હજુ ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યાં લોકોની એક પછી એક સમસ્યાઓ તેમાં પણ પાણી માટેની સમસ્યા વધુ સાંભળવા મળતી હોય છે. તે સમસ્યા માટેની વાતો અત્યારે પણ જોવા મળી રહી છે. માણસની સાથે ખેતીપાકને પણ પાણીની જરૂર છે. ત્યારે જ ખેતીને અપાતા વીજ પુરવઠામાં (Power supply)અઠવાડિયાથી 2 કલાકથી વધુ સમયનો કાપ મુકાતા સમગ્ર દક્ષિણ ગુજરાતના શેરડી, ડાંગર સહિતના પાક પકવતા ખેડૂતો (Farmers) મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ગુજરાતમાં અને ખાસ દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકો સિવાય મોટી સંખ્યામાં ખેડૂતો શેરડી,ઉનાળુ ડાંગર, શાકભાજી સહિતના પાકો લઈ રહ્યા છે. ત્યાં હાલમાં ભરઉનાળો ચાલી રહ્યો છે. ત્યારે શિયાળાની સરખામણીએ આ દરેક પાકોને પાણી જરૂરિયાત વધુ થતી હોય છે. કેટલીક જગ્યાએ નહેરનું પાણી પહોંચે છે પણ કેટલીક જગ્યાએ પહોંચતું નથી. આ સ્થિતિમાં પાણી માટે પૂરતો વીજ પુરવઠો મળે એ જરૂરી છે. જો વીજ પુરવઠો ન મળે તો મોટી સમસ્યા ઉભી થાય છે. સરકાર દ્વારા આમ તો અગાઉ 8 કલાક વીજ પુરવઠો ખેતી માટે મળતો હતો પણ છેલ્લા અઠવાડિયાથી વીજ કંપની 8ની જગ્યાએ 6 કલાક જ વીજળી ખેતીને આપી રહી છે.
જેને લઈને ભરઉનાળે 2 કલાકનો અચાનક કાપ મુકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેરી વગેરે બાગાયતી પાકોને તો પ્રમાણમાં તકલીફ ઓછી છે પણ જેને પાણી વધુ જરૂર છે. એ ડાંગર, શેરડી, શાકભાજી પકવતા ખેડૂતોની મુશ્કેલી વધુ છે. 8 કલાક પુનઃ વીજ પુરવઠો ખેતીને ક્યારે અપાશે એ બાબતે વીજ કંપનીના અધિકારીઓ બોલવા તૈયાર નથી. અને સમગ્ર રાજ્યમાં કાપ હોવાનું જણાવી રહ્યાં છે. વીજકાપના કારણે સુરત જિલ્લામાં શેરડી, શાકભાજી, ઉનાળુ ડાંગરને અસર છે.
જિલ્લામાં અંદાજે 80 હજાર ખેડૂતોને વધુ અસર છે. હાલ શેરડીના પાકને પાણીની વધુ જરૂર છે ત્યારે જ પાણી પૂરતું ન મળતા શેરડીનો વિકાસ અટકી પણ શકે છે.નવસારી જિલ્લામાં 5600 હેકટરમાં ઉનાળુ ડાંગર, 12 હજાર હેકટરમાં શેરડી તથા 1 હજાર હેકટરમાં શાકભાજીનો પાક છે, જેને 2 કલાકના રોજના વીજકાપથી અસર થશે. જોકે કેરીના પાકને વધુ અસર થશે નહીં એમ જાણવા મળે છે. ડાંગ જિલ્લામાં હાલ ડાંગર, મગફળી વિગેરે પાકને પણ અસર થવાની શક્યતા છે.વીજકાપના કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીની રજૂઆત ખેડૂતોએ નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈને કરી હતી. જેને લઇને દેસાઇએ ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને કરી છે, જેમાં વીજકાપથી હાલ ઉનાળામાં પાક સુકાઈ રહ્યો હોય પુન: 8 કલાક વીજપુરવઠો આપવા જણાવ્યું છે.