Breaking News : સુરતમાં ગંદા પાણીનો મુદ્દો ગરમાયો, ભાજપ કોર્પોરેટર દ્વારા અલનીનોને જવાબદાર ઠેરાવાયું

સુરતમાં ગંદા અને પીળા પાણીની સમસ્યાને કારણે હાહાકાર મચ્યો છે. ભાજપ કોર્પોરેટર ઉર્વશી પટેલે અલનીનોની અસરને જવાબદાર ગણાવી છે, જેના કારણે તાપી નદીમાં પાણીનું સ્તર ઘટતાં માટી ભળી રહી છે.

Breaking News : સુરતમાં ગંદા પાણીનો મુદ્દો ગરમાયો, ભાજપ કોર્પોરેટર દ્વારા અલનીનોને જવાબદાર ઠેરાવાયું
| Updated on: Oct 28, 2026 | 3:09 PM

સુરત શહેરના અડાજણ, રાંદેર અને અઠવા સહિતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પીળા અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાએ નાગરિકોમાં હાહાકાર મચાવ્યો છે. ગટર જેવું પાણી ઘરો સુધી પહોંચતા લોકોના આરોગ્ય સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. આ મામલે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે, જ્યાં એક તરફ ભાજપ કોર્પોરેટર દ્વારા વૈશ્વિક ઘટનાને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે, તો બીજી તરફ સ્થાનિકો તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે.

અડાજણ વોર્ડ નંબર 10નાં ભાજપ કોર્પોરેટર ઉર્વશી પટેલે ગંદા પાણીની સમસ્યા પાછળ “અલનીનો”ની અસરને જવાબદાર ગણાવી છે. તેમના નિવેદન મુજબ, આ કોઈ માનવસર્જિત ભૂલ નથી કે કોઈ કાઉન્સિલર કે પદાધિકારીઓની ભૂલ નથી. અલનીનોની અસરને પગલે તાપી નદીમાં પાણીનું સ્તર ઘટ્યું છે. પાણીનું સ્તર નીચું જતાં માટીનો ભાગ પાણીના સ્ટોરેજમાં આવી જાય છે, જેના કારણે આવું ગંદુ પાણી સપ્લાય થઈ રહ્યું છે. તેમણે તો ત્યાં સુધી જણાવ્યું કે જો તાપીમાં 11,000 ક્યુસેક પાણી છોડવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.

પાણીની સપ્લાય અને ટ્રીટમેન્ટ સિસ્ટમની ખામી

જોકે, કોર્પોરેટરના આ દાવા પર લોકો અને નિષ્ણાતો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર અલનીનોના કારણે જ સુરતમાં ગંદા પાણીની સમસ્યા ઊભી થઈ છે, કે પછી આ પાછળ પાણીની સપ્લાય અને ટ્રીટમેન્ટ સિસ્ટમની ખામી પણ જવાબદાર છે? સ્થાનિકો યાદ અપાવે છે કે હજુ એક મહિના પહેલા જ તાપીનો કોઝવે ઓવરફ્લો થયો હતો. આવા સંજોગોમાં આટલા ટૂંકાગાળામાં નદીમાં પાણી તળિયાઝાટક કેવી રીતે થઈ શકે તે એક મોટો સવાલ છે. વળી, સુરત મનપા દ્વારા તાપીનું પાણી શુદ્ધ કરીને લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે, તો પછી શુદ્ધિકરણ બાદ પણ આવું ગંદુ પાણી શા માટે મળી રહ્યું છે?

TV9ની ટીમે જ્યારે સુરતની કેટલીક સોસાયટીઓની મુલાકાત લીધી, ત્યારે સ્થાનિકોએ તેમની ફરિયાદો રજૂ કરી. તેમને પીળા રંગનું, દુર્ગંધયુક્ત પાણી મળી રહ્યું હતું, જે પીવાલાયક તો નથી જ, પણ તેના ઉપયોગથી પણ રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ઝાડા-ઊલટી જેવા રોગો વકરવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

એક ચોંકાવનારી વાત એ પણ છે કે તંત્ર દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી રહી છે. જોકે, નાગરિકોનો આક્ષેપ છે કે પાણી ગરમ કરવાથી તેની અંદર રહેલા કીટાણુઓ કે પીળાશ દૂર થતી નથી, અને આવા પાણીને ઉકાળીને પણ પી શકાય તેમ નથી. 20 દિવસથી આ સમસ્યા ચાલી રહી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું.

રહેવાસીઓએ એવો પણ આક્ષેપ કર્યો કે જ્યારે ચૂંટણી હોય ત્યારે મત માંગવા આવતા નેતાઓ અત્યારે તેમની સમસ્યા સાંભળવા પણ ફરકતા નથી. મોહલ્લામાં કોઈ કોર્પોરેટર જોવા પણ નથી આવતો.

બીજી તરફ, સુરત મનપાના શાસક પક્ષના નેતાનો દાવો છે કે શુદ્ધ પાણી લોકોનો હક છે અને SMC આ માટે પૂરતા પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે આ વાતની રજૂઆત કમિશનર સાહેબને કરવામાં આવી છે અને કમિશનર સાહેબ તેમાં એક્શન પણ લઈ રહ્યા છે. કમિશનર સાહેબે ઉપરથી પાણી છોડાવવાની પણ રજૂઆત કરી અને તે મુજબ પાણી છોડવામાં આવ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ઘણા વિસ્તારોમાંથી તેમને મેસેજ મળ્યા છે કે પાણીની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે.

આ સમગ્ર મામલે, અલનીનોના દાવા અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ, મનપાની શુદ્ધિકરણ પ્રણાલીની કાર્યક્ષમતા અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ અને તાત્કાલિક કાર્યવાહી અનિવાર્ય છે.

પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન, વન્યજીવ સુરક્ષા સામે પડકાર

Follow Us
Loading...
Unable to load recommendations.