(Surat ) શહેરના પુણા ગામ ખાતે મહાનગર પાલિકા દ્વારા સ્થાનિક લોકોની સુખાકારી માટે લેક ગાર્ડન(Garden ) બનાવવામાં આવી રહ્યું છે. જો કે, નિર્માણધીન આ લેક ગાર્ડન હાલ અસામાજીક તત્વો અને નશાખોરોનો અડ્ડો બની રહ્યો તેવું ફલિત થઈ રહ્યું છે. જેને પગલે સ્થાનિકોમાં હવે ઉદ્ઘાટન પૂર્વે જ આ લેક ગાર્ડન ન્યૂસન્સ (Nuisance ) રૂપ સાબિત થઈ રહ્યું હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર મહાનગર પાલિકાના વરાછા ઝોન – એ ખાતે આવેલ પુણા ગામમાં લેક ગાર્ડનના ડેવલપમેન્ટની કામગીરી હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. અલબત્ત, સિક્યુરિટી ગાર્ડના અભાવે મોડી રાત સુધી આ લેક ગાર્ડનમાં અસામાજીક તત્વોની મહેફિલ જામતી હોય તેમ તળાવમાં અને વોક-વે પર દારૂ અને બિયરની બોટલો જોવા મળી રહી છે.
બુધવારે પણ લેક ગાર્ડનમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરનાર ઈસમોને બહાર કાઢવા માટે સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી. આમ, સ્થાનિકો દ્વારા જ્યાં સુધી આ લેક ગાર્ડનનું ઉદ્ગાટન ન થાય ત્યાં સુધી કાયમી સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવા અને અસામાજીક તત્વોના ન્યૂસન્સને દૂર કરવાની માંગ કરવામાં આવી છે.
સીસીટીવી કેમેરા મુકવામાં આવેઃ દિનેશ સાવલિયા
સુરત મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા દ્વારા આ સમસ્યા અંગે હાલમાં જ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીને રજુઆત કરવામાં આવી હતી. તેઓએ આ સંદર્ભે વહીવટી તંત્રને જણાવ્યું હતું કે, તાકિદના ધોરણે લેક ગાર્ડનમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવે તો સ્થાનિકો માટે સિરદર્દ સાબિત થઈ રહેલા અસામાજીક તત્વોની દૂષણ પણ દુર થઈ શકે તેમ છે.
જોવાનું એ રહે છે કે કોર્પોરેશન સ્થાનિકોની ફરિયાદનો આ નિકાલ ક્યારે લાવે છે. અહીં રહેતા સિનિયર સીટીઝન અને મહિલાઓની પણ માંગણી છે કે આ વિસ્તારમાં જયારે લેક ગાર્ડન બનાવવામાં આવી રહ્યું હોય ત્યારે વડીલો, મહિલાઓ અને બાળકો સારી રીતે ગાર્ડનમાં હરી ફરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી પણ કોર્પોરેશને નિભાવવી જોઈએ.
આ પણ વાંચો :