સુરત મહાનગરપાલિકાએ(SMC) દરેક ઝોનમાં મોડલ સ્કૂલ બનાવવાનું આયોજન હાથ ધર્યુ છે . ડભોલી ખાતે તૈયાર થનારી મોડલ સ્કૂલમાં (Model School ) પ્લે ગ્રાઉન્ડ , લાઇબ્રેરી , લિફટ , કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે . ડભોલી ખાતે રૂ . 11 કરોડના ખર્ચે મોડલ સ્કૂલ બનાવવા સ્થાયી સમિતિની મંજૂરી માંગવામાં આવી છે . પાલિકાએ ટીપી સ્કીમ નંબર 35 કતારગામ ફાઇનલ પ્લોટ નંબર ૧૨૫ ડભોલી ખાતે નવી પ્રાથમિક સ્કૂલ બનાવવાનું આયોજન હાથ ધર્યુ છે . આ જગ્યા પર મોડલ સ્કૂલ વિકસાવવામાં આવશે . મોડલ સ્કૂલ બનાવવા માટે પ્લાનિંગ કરવા માટે દસ કન્સલ્ટન્ટ દ્વારા ઓફર કરવામાં આવી હતી જે પૈકી પાલિકા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કન્સલ્ટન્ટની ઓફર અંગે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી .મોડલ સ્કૂલ બનાવવા માટે રૂ . 11 કરોડની લોએસ્ટ ઓફર આવી છે .
પાલિકાએ શાળાનાં મકાનો આધુનિક બનાવવા તથા શાળામાં વિધાર્થીઓ માટે વિવિધ સુવિધાઓ વિકસાવવા માટે મોડલ સ્કૂલમાં આયોજન કર્યુ છે . મોડલ સ્કૂલના ગ્રાઉન્ડ ફલોર પર રમતગમતનું મેદાન , સ્પોર્ટ્સ રૂમ , લાઇબ્રેરી , લિફટ , પીવાના પાણીની પરબ , ટોઇલેટ બ્લોક સહિતનું આયોજન કરવામાં આવશે . મોડલ સ્કૂલના પહેલા માળે કલાસ રૂમ ઉપરાંત કોમ્પ્યુટર લેબોરેટરી સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે .
મોડલ સ્કૂલના બીજા માળે સાયન્સ લેબોરેટરી , કલાસ રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે જ્યારે મોડલ સ્કૂલના ત્રીજા માળે કલાસ રૂમ , સ્ટોર રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે . દરેક માળ પર ટોઇલેટ બ્લોક રહેશે તથા દિવ્યાંગો માટે પણ અલગ ટોઇલેટ બ્લોકની સુવિધા રહેશે . મોડલ સ્કૂલ અંતર્ગત 4734 ચોરસ મીટર જગ્યામાં મેદાન વિકસાવવામાં આવશે .
મેદાન વિકસાવવા પાછળ રૂ . 72 લાખનો ખર્ચ કરવામાં આવશે જ્યારે શાળાના મકાન પાછળ અંદાજે રૂ . આઠ કરોડનો ખર્ચ કરવામાં આવશે . કતારગામમાં ડભોલી ખાતે મોડલ સ્કૂલ બનાવવા માટે લાંબા સમયથી રજૂઆતો ઊઠી હતી . આ રજૂઆતના આધારે પાલિકાએ મોડલ સ્કૂલની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે .
આ પણ વાંચો :