સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે 11 વર્ષથી નાસતા ફરતા છેતરપિંડીના બે આરોપીની મુંબઈ ખાતેથી ધરપકડ કરી હતી. છેલ્લા 11 વર્ષથી છેતરપિંડીના ગુના આચરતી આંતરરાષ્ટ્રીય ટોળકીના બે સાગરીતોને બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચ પોલીસને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપી હતી આથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સતત નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી રહી છે તેવામાં સુરતના હજીરા પોલીસ સ્ટેશન તેમજ જામનગરના મેઘપર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા આંતરરાષ્ટ્રીય બે આરોપી મુંબઈ ખાતે હોવાની સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાદમે મળી હતી.
આથી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈના મીરા રોડ નજીકથી આરોપી દિપક પ્રતાપ ધાણી તેમજ રાજેશ હરીનાથ તિવારીને ઝડપી પાડ્યા હતા આ બંને આરોપી એકબીજાની મદદગારીથી કાવતરું રચી પોતાના ખોટા નામથી અમદાવાદના નારોલ પાટિયા પાસે ટ્રાન્સપોર્ટ ઓફિસ ચાલુ કરી વિવિધ ટ્રાન્સપોર્ટ કંપનીઓ સાથે વાતચીત કરી વિશ્વાસ કેળવી અલગ અલગ ત્રણ ટ્રકો ની નકલી આરસીબુક તથા લાયસન્સ બનાવી કંપનીમાં રજૂ કરી આ ટ્રકોમાં બોગસ નંબર પ્લેટ લગાવી 2011 ની સાલમાં સુરતના હજીરા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોકલી રિલાયન્સ કંપનીના દાણા 48 ટન જેટલી બેગમાં ભર્યા હતા જેની કિંમત અંદાજીત 40,66,350 જેટલી થાય છે આ દાણા નક્કી કરેલી જગ્યાએ પોતાની રીતે બારોબાર વેચી મારી ફરાર થઈ ગયા હતા.
આ બંને આરોપીની પૂછપરછ કરતા આ દાણા તેમણે દિલ્હી ખાતે નજીવી કિંમતે વેચી માર્યા હતા. આ બંનેમાંથી દીપક પ્રતાપ ધાણી અગાઉ પણ મુંબઈ કાલુપુર પોલીસ સ્ટેશનમાં તેમજ સેલવાસ ખાતે વિશ્વાસઘાતના ગુનામાં પકડાઈ ચૂક્યો છે આ બંને આરોપીઓ અલગ અલગ શહેરમાં ખોટા નામથી ટ્રાન્સપોર્ટ ઓફિસ ખોલી ખોટા ડોક્યુમેન્ટ દ્વારા ટ્રકોમાં માલ ભરી રાતોરાત ટ્રાન્સપોર્ટ ઓફિસ બંધ કરી નાસી જતા હતા હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે આ બંને આરોપીની પૂછપરછમાં અન્ય ગુના પણ સામે આવે તો નવાઈ નહીં
Published On - 9:54 pm, Sat, 12 November 22